વ્યારા: આજરોજ આદિવાસી આગેવાન એડ. જીમ્મી પટેલ તેમજ અન્ય સામાજિક આગેવાનો અને વિધાર્થીઓની આગેવાની માં તાપી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે આદિવાસી વિધાર્થીઓ જે સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે વર્ષ 2023-2024 ના વર્ષમાં સરકારશ્રી ની ફ્રીશીપ કાર્ડ સ્કોલરશીપ યોજના હેઠળ એડમિશન લીધેલ છે, સરકાર ની યોજના હેઠળ આદિવાસી વિસ્તારમાંથી આવતા પછાત વર્ગના બાળકોની ફી સરકાર આપે છે. કોઈક કારણસર સરકાર શ્રી દ્વારા આ ફી જમા થવામાં વિલંબ થતાં કોલેજ ના સંચાલકો દ્વારા આદિવાસી બાળકો જેમની ફી સરકાર દ્વારા જમા કરવામાં નથી આવી તેમને લેક્ચરમાંથી કાઢી મુકાતા આદિવાસી સમાજ માં રોષ જોવા મળ્યો હતો. જેના પરિણામે સામાજીક , તેમજ વિવિધ રાજકીય પક્ષ ના આગેવાનોએ વિદ્યાર્થીઓના પડખે આવી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

Decsion News ને મળેલી માહિતી મુજબ આદિવાસી પછાત વર્ગથી આવતા વિધાર્થીઓના શિક્ષણિક વિકાસ માટે સરકાર સહાય આપે છે ત્યારે છેલ્લા એક માસ થી જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવી ગંભીર પ્રકારની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટર ને લખાયેલ પત્રમાં આક્ષેપ સહ કરવામાં આવી છે તેમજ સંચાલકો સામે અટરોસીટી ના કાયદા મુજબ કલેકટર કાર્યવાહી કરે તેમ પણ ઉલ્લેખવામાં આવ્યું છે. આમ સમગ્ર મામલે હકારાત્મક વલણ સાથે વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત ના રહી જાય તે માટે સંચાલકો ને સૂચના આપવાની બાંહેધરી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓને કલેકટર દ્વારા આપવામાં આવી છે.

આ મામલેઅમારા દ્વારા રાજકીય કર્મશીલ રોમેલ સુતરીયા સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં કરવામાં આવેલા ૮૬ માં સાંસોધન મુજબ શિક્ષણ ને મૂળભૂત માનવ અધિકાર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. કોઈ પણ શિક્ષણ સંસ્થાન બાળકને શિક્ષણથી વંચિત કરવાનું ગુનાહિત કૃત્ય કરે તે અસહનીય છે.નાગરિક સમાજ , સામાજીક આગેવાનો તેમજ રાજકીય પક્ષોએ આવી કોઈ પણ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી સમાજ માં દાખલો બેસાડવો પડે જેથી ભવિષ્ય માં અન્ય કોઈ પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રાખવાનું ગુનાહિત કૃત્ય કોઈ પણ સંસ્થાન કરે નહી. સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યા બાદ જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ આ સાથે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે , એટ્રોસિટી કાયદા મુજબ જીલ્લા કલેકટર તપાસની સૂચના આપે તો સમગ્ર મામલો રાજકીય સ્તરે મોટા પાયે ગરમાંશે તેની શક્યતા સેવાય રહી છે.રાજકીય વગ ધરાવનાર સંચાલકો સામે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તે મામલે હવે સહુની નજર છે.