ગાંધીનગર: વિકાસ વિકાસનો ઢંડેરો પીટતી ગુજરાતમાં સરકાર પર મોટું સંકટ આવ્યું છે. ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે, સરકાર પાસે કર્મચારીઓને આપવાના પણ રૂપિયા નથી. ગુજરાતની 107 નગરપાલિકાઓમાં 3 મહિનાથી કર્મચારીઓને પગાર જ મળ્યો નથી. ચીફ ઓફિસર સહિત 10 હજારથી વધુ રોજમદારો અને કાયમી કર્મચારી પગારથી વંચિત થયા છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુબજ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની નગરપાલિકાઓની તિજોરીઓ ખાલી થઈ ગઈ છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓ દેવાળું ફૂંકવાની અણી પણ છે. આ પહેલા નગરપાલિકાઓ લાખોનું લાઈટબિલ ન ચૂકવી શક્તા અંધારપટ છવાયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે હવે ગુજરાતની નગરપાલિકાઓ પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા નથી. આ બાબત ગુજરાત સરકારના અણઘડ વહીવટની સાબિતી આપે છે.

ગુજરાતમાં ઉદ્યોગપતિઓ માટે લાલજાજમ પાથરતી ગુજરાત સરકાર નગરપાલિકાઓનો વહીવટ કરવામાં પાછળ રહી ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે, નગરપાલિકાઓ પાસે રૂપિયા જ નથી. ગુજરાતમાં કુલ મળીને 157 નગરપાલિકાઓ છે, જેમાંથી 107 નગરપાલિકાઓની તિજારીઓ ખાલી થઈ ગઈ છે. આ નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ એટલી કથળી છે કે, તેમની પાસે કર્મચારીઓને ચૂકવવાના રૂપિયા પણ નથી.

કેટલીક પાલિકાઓ વીજબિલ ભરવામાં પણ સક્ષમ નથી. તો કેટલાંકના પાણીવેરા પણ બાકી છે. સ્થાનિક રાજનીતિને કારણે પાલિકાની કરવેરાની આવક ઘટી છે. હવે સ્થિતિ એવી છે કે, નગરપાલિકાઓ પાસે એટલું પણ ભંડોળ નથી કે તેઓ કર્મચારીઓનો પગાર ચૂકવી શકે. નગરપાલિકા નાણાંકીય સદ્ધરતા ગુમાવી રહી છે. ત્યારે આ કર્મચારીઓ ભવિષ્યમા આંદોલનના રસ્તે ચઢે તો નવાઈ નહિ.