સુરત: સમાચાર એજન્સી ANIના કહ્યા મુજબ, SDRF અને NDRF ની ટીમ આ કાળગોઝારી ઘટનામાં બચાવ કાર્ય કરી રહી છે. કાટમાળમાંથી હાલમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એક મહિલાને બચાવવામાં આવ્યાં છે.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું, “SDRF અને NDRFની ટીમો બચાવ કાર્ય કરી રહી છે. અમને મળેલી માહિતી પ્રમાણે, છથી સાત લોકો હજી કાટમાળ નીચે ફસાયેલા છે અને ત્રણ મૃતદેહો કાઢવામાં આવ્યા છે.” ઇમારતમાં 30થી 35 ફ્લેટ હતા, જેમાંથી 4-5 ફ્લેટમાં લોકો રહેતા હતા. ઘણા લોકો કામ પર ગયા હતા અને કેટલાક લોકો નાઇટ શિફ્ટ કરીને આવ્યા હતા.
સુરતના ચીફ ફાયર ઑફિસર બસંત પરીકે ANIને જણાવ્યું, “સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસને શનિવારે અંદાજે ત્રણ વાગ્યે અને 55 મિનિટે માહિતી મળી કે એક પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. લગભગ 20 ફાયર ઓફિસરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.” તેમણે ઉમેર્યું કે અમે કાટમાળમાંથી કુલ સાત મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અને એક મહિલાને બચાવ્યાં છે. બચાવ કાર્ય હજું પણ ચાલી રહ્યું છે.











