યુપી: યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં મોટી જાનહાની બાદ ઢગલાબંધ લાશો જોઈને આઘાતથી એક પોલીસ કોન્સ્ટેબનું હૃદય બેસી ગયું હતું અને તેઓ પણ મોતને ભેટયાં હતા. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ના કોન્સ્ટેબલ રવિ યાદવની લાશોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલું હતું પરંતુ આટલી મોટી સંખ્યામાં લાશો જોઈને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું પણ તત્કાળ મરણ થયું.

જુઓ વિડીયો..

સત્સંગ સ્થળની વ્યવસ્થા એટલી નબળી હતી કે નાસભાગ બાદ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં મુશ્કેલી પડી હતી તે ઉપરાંત બહાર જવાનો રસ્તો પણ ખૂબ સાંકડો હતો. 122થી વધુ લોકોના ભોગ લેનારી યુપીના હાથરસ સત્સંગની ટ્રેજેડીમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. આ સત્સંગ નારાયણ સાકર હરી તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાનો હતો અને તેમાં નાસભાગ મચતાં મોટી જાનહાની થઈ હતી.

કોણ છે ભોલે બાબા? 

નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલી ગામના છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બનતા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પોલીસની નોકરી કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃતી લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યાં અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે. ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. આજે ભોલે બાબાના લાખો અનુયાયીઓ છે.

કેવી રીતે થઈ નાસભાગ
હાથરસથી 40 કિમી દૂર ફૂલરાઈ ગામમાં બાબા ભોલેનો સત્સંગ ચાલી રહ્યો હતો જેમાં સવા લાખથી વધુ લોકો આવ્યાં હતા ધાર્યાં કરતાં વધારે લોકો આવ્યાં હોવાથી ગરમી અને બફારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. સત્સંગ પૂરો થયા પછી જ્યારે લોકો બહાર જવા માટે ઉભા થયા તો તે બેભાન થઈને પડવા લાગ્યો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં 122થી વધુ લોકોના મોત થયાં છે અને હજુ આંકડો વધી રહ્યો છે.

હાથરસ કાંડમાં બચી જનાર એક કિશોરી જ્યોતિએ એવું કહ્યું કે હું મારી મમ્મી સાથે સત્સંગમા ગઈ હતી. મંગળવારે ભોલે બાબાના સત્સંગમાં ભારે ભીડ હતી. લગભગ ત્રણ કલાક સુધી સત્સંગ ચાલ્યો હતો, પંડાલમાંથી બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. બહાર નીકળવાની ઉતાવળમાં લોકો એકબીજા પર પડ્યા અને નાસભાગ મચી ગઈ. જ્યારે મેં બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે મને બહાર પાર્ક કરેલી મોટરસાઈકલ જોવા મળી. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. દરમિયાન પાછળથી ઘણા લોકો અમને પણ ધક્કો મારીને આગળ વધી રહ્યા હતા. મને પણ લાગ્યું કે હું કચડાઈ જઈશ. ત્યાં સુધીમાં અનેક લોકો બેભાન થઈને જમીન પર પડી ગયા હતા.