દિલ્લી: અરુંધતી ‘નર્મદા બચાવો આંદોલન’ સહિત દેશનાં અન્ય કેટલાંક આંદોલનોમાં સક્રિયપણે સામેલ હતાં. નર્મદા બચાવો આંદોલનનું નેતૃત્વ મેધા પાટકર દ્વારા કરવામાં આવ્યું હતું, આ માનવાધિકાર કાર્યકરોનું જૂથ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત આદિવાસીઓના અધિકારોની હિમાયત કરી રહ્યું હતું.

આ ચળવળમાં રૉયની સહભાગિતાને ગુજરાતના ઘણા રાજકારણીઓ ‘ગુજરાત વિરોધી વલણ’ તરીકે જોતા હતા. અરુંધતી રૉયના લેખ ‘ધ ઍન્ડ ઑફ ઇમેજિનેશન’એ એક રાજકીય લેખિકા તરીકે તેમની શરૂઆતનો સંકેત આપ્યો. રૉયના લેખને ટાંકીને સિદ્ધાર્થ દેબે ધ ન્યૂયૉર્ક ટાઈમ્સમાં એક લેખમાં લખ્યું હતું, “રૉયે પરમાણુ પરીક્ષણના સમર્થકો પર સૈન્યશક્તિના પ્રદર્શનમાં આનંદ લેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે (સમર્થકોએ) એ અંધરાષ્ટ્રવાદને અપનાવ્યો હતો કે જેના બળે આઝાદી પછી ભાજપ બીજી વખત સત્તામાં આવ્યો હતો.”

રૉયનો આ લેખ આઉટલૂક અને ફ્રન્ટલાઈન જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં એક સાથે પ્રકાશિત થયો હતો અને તેમણે રાજકીય લેખક તરીકે ડેબ્યુ કર્યું હતું. 2002માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી તેઓ નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. બાદમાં તેમણે ઓડિશામાં બૉક્સાઇટ ખાણકામ માટેની યોજનાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. રોયે ભારતમાં નક્સલવાદી ચળવળ પર પણ ઘણું લખ્યું છે. તેમણે ઘણી વખત કહ્યું છે કે, “એક આદિવાસી કે જેને કશું જ નથી મળતું, તે સશસ્ત્ર સંઘર્ષોમાં સામેલ થવા સિવાય બીજું શું કરશે ?”