દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ લેખિકા અરુંધતી રૉય સામે યુએપીએ (અનલોફુલ ઍક્ટિવિટીઝ પ્રીવેન્શન ઍક્ટ) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. તેમની સાથે જ કાશ્મીરના ડૉક્ટર શેખ શૌકત હુસૈનની સામે આ કડક કાયદા હેઠળ કેસ ચાલશે.

14 વર્ષ જૂનો આ મામલો છે અને અરુંધતી રૉય પર ભારતની એકતા અને અખંડતા વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. વડા પ્રધાન મોદીનાં પ્રખર ટીકાકાર રહેલાં અરુંધતી રૉય પર વર્ષ 2010માં દિલ્હીમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર હેઠળ કેસ ચલાવવામાં આવશે.

ગત વર્ષે ઑક્ટોબરમાં ટેલિવિઝન ચેનલ અલજઝીરાને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા સંબંધે પીએમ મોદી સાથે જોડાયેલા એક સવાલ પર અરુંધતી રૉયે કહ્યું હતું કે, “હું હંમેશાં વડા પ્રધાન મોદીના વિરોધમાં રહી છું. તેઓ જ્યારે વર્ષ 2002માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ હું તેમના વિરોધમાં હતી.” વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સત્તાધારી ભાજપ ફાસીવાદી પક્ષ છે અને એક દિવસ આ દેશ તેની સામે ઊભો થશે. અરુંધતી રૉયના કામ વિશે વધુ જાણકારી એકઠી કરવા માટે બીબીસીએ અનેક લેખકો, સમાજવિજ્ઞાનીઓ અને ઍક્ટિવિસ્ટ્સ સાથે વાત કરી હતી.