નવસારી: વાંસદા તાલુકા સેવા સદનમાં તાલુકાની મોટાભાગની ઓફિસો આવેલી છે. અહીં ઘણાં સિનિયર સિટીઝન હોય કે દિવ્યાંગ અરજદારો કામ અર્થે આવતા હોય છે. તેમને લિફ્ટના વાંકે હાલાકી ભોગવવી પડે છે. વાંસદા તાલુકાના 95 ગામોના અરજદારો તાલુકા સેવા સદનમાં આવતા હોય છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ સદનમાં મોટાભાગની સરકારી ઓફિસો આવેલી છે. આ સેવા સદનની બિલ્ડિંગ બનાવતી વખતે અહીં સિનિયર સિટીઝન કે દિવ્યાંગ અરજદારો કામ અર્થે આવશેબ એવું એન્જિનિયરને ધ્યાન નહીં રાખતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ અરજદારો સહિત તેમના પરિવારજનોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. ગુરુવારે વાંસદા તાલુકા સેવા સદનમાં બીજા માળ ઉપર આવેલા દસ્તાવેજ નોંધણીની ઓફિસમાં કોઈક પેપર ઉપર સહી કરવાની હોવાથી દિવ્યાંગ અરજદારને હાથ ઉપર ઊંચકીને બીજા માળે આવેલી ઓફિસમાં લઈ જવાની નોબત આવી હતી.
આવા દ્રશ્યો અનેકવાર નજરે પડતા હોય છે ત્યારે ચાર માળની સેવા સદનની બિલ્ડિંગ બનાવનાર એન્જિનિયર લીફ્ટની સુવિધા ઊભી કરવાનું કેમ ભૂલી ગયો ? એ ચર્ચાનો વિષય બન્યો છે. જેથી આ સેવા સદનમાં લિફ્ટની વ્યવસ્થા ઉભી કરી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરે એવી માંગ ઉઠી છે.