ખેરગામ: આછવણીના કાંતિ પટેલના આપઘાત દુષ્પ્રેરણા પ્રકરણમાં ઘટનાના દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્રો ઉઠી રહ્યા છે. વાયરલ થયેલ વીડિયો વિજય ઉચકટારેએ કરેલ ફરિયાદને પણ સ્પષ્ટ સમર્થન આપી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં અંધારું હોવાને લીધે દ્રશ્યમાં રહેલા વ્યક્તિઓ દેખાતા નથી પરંતુ અવાજ સ્પષ્ટ સંભળાય છે. વિડિયોમાં એક મહિલા આદિવાસી સમાજની કૂકણાં બોલીમાં અન્ય મહિલાને બેફામ ગાળો આપી રહી છે. ખૂબ જ અભદ્ર બોલીમાં ગંદી ગાળો અને આરોપો સાંભળ્યા બાદ પણ સામેવાળી મહિલા કોઇ જવાબ આપતી નથી. આછવણી ગામના લોકોના જણાવ્યા અનુસાર વીડિયો કાંતિ પટેલવાળી ઘટનાનો જ છે. ઘટનાના દિવસે વિવાદ થયો ત્યારે કાંતિના માતા ઘટના સ્થળે આવી ત્યાં રહેલ મગું ભડાકીયાની પત્ની ગીતાને ગાળો આપી રહી છે. વિડિયોમાં મંગુ ભડાકીયા શૈલેષને બોલાવવા બાબતે કહી રહ્યો છે. મંગુને ખૂબ માયો હોવાનું પણ એક વ્યક્તિ કુકણાં બોલીમાં બોલી રહ્યો છે. આ વીડિયો અને ઓડિયોની ચકાસણી કરવામાં આવે તો આ આખી ઘટના કેમ ઘટી, કાંતિએ આપઘાત કેમ કર્યો એ રહસ્ય ચોક્કસપણે સ્પષ્ટ થઈ જશે એમ લોકોમાં ચર્ચાચાલી રહી છે.
રૂમલાના વિજય ઉચ કટારે મૃતક કાંતિભાઈ મંગુ ભડાકીયાની પત્ની ગીતાને કારમાં લઈને ભાગતો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરી છે. પરંતુ આ ફરિયાદને નવ દિવસ થઇ ગયા બાદ પણ પોલીસે ગીતાની હજી સુધી પુછપરછ કરી નથી. પોલીસે આ પ્રકરણમાં શરૂવાતથી જ કાચું કાપ્યું હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે.
વિજય ઉચકટારેએ ફરિયાદમાં જણાવેલ છે કે મંગુની પત્ની ગીતાને કાંતિ કારમાં લઈને ભાગતો હો પરંતુ પંથકમાં ચાલતી લોક ચર્ચા મુજબ ગીતા ઘટનાના દિવસે મૃતક કાંતિ સાથે તેની કારમાં સ્વેચ્છાએ જતી હતી. બીજી બાજુએ પાંચ મહિનાથી ભુગર્ભમાં રહેલ મંગુ અને તેના બંન્ને ભાઈઓ ભરત અને મહેશ પોલીસના હાથે ઝડપાઇ જેલ ભેગા થયા છે અને મુખ્ય આરોપી ડો. નીરવ હજી ભૂગર્ભમાં જ છે. જો કે પતિ મંગુ અને બન્ને દિયરો જેલમાં ધકેલાઈ ગયા છતાં ગીતા સત્યતા જણાવવા આગળ આવતા નથી અને સત્યતા બહાર લાવવામાં પોલીસને પણ રસ ન હોવાથી પોલીસ ગીતાની તપાસ પણ કરતી ન હોવાનો લોકો પોલીસ સામે આક્ષેપ કરી રહ્યા છે.