છોટાઉદેપુર: મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલો ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગભાઇ રાઠવા Decision News ને જણાવે છે કે ભંગોરીયા હાટમાં ખાસ કરીને જુવાનિયાઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતીઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી, ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદીના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી (સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે, જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટની મજા માણવા ઉમટી પડે છે.
એક જ સરખો પહેરવેશ જે તે ગામની આગવી ઓળખ બને છે
એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!
ભંગોરીયા હાટમાં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે, અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરતા હોય છે.
અહીંના આદિવાસીઓ ભંગોરીયાને ભોંગર્યા હાટ તરીકે પણ ઓળખતા હોય છે, હાટમાં હોળીની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળીઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામથી પ્રાચીન સમયથી ગવાતાં ગીતો ગાતા ગાતા આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે જ્યાં એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ લૂટતા હોય છે. આમ ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીંના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટે નુ સ્ટેજ છે.
હોળીની ખરીદીનો અવસર બને છે ભંગોરીયા હાટ.
ભંગોરીયાએ હોળી અગાઉના સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ સાપ્તાહિક હાટ જ છે, જેમાં અહીંના આદિવાસીઓ હોળીના તહેવાર માટે ની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડતાં હોય છે, સાથે આદિવાસી વસ્ત્રો તથા આભૂષણો પહેરીને, આદિવાસી વાજિંત્રો વાંસળી,મોટલા ઢોલ, દદુડી, ખળખળશીયાના તાલે મનમુકીને નાચી કુદીને ભંગોરીયા હાટનો આનંદ માણતા હોય છે.
પ્રેમી પંખીડા ને ભાગી જવા માટે નો શ્રેષ્ઠ અવસર ભંગોરીયા હાટ જેવી વાત તથ્ય વિહોણી.
ભંગોરીયા હાટમાં છોકરા છોકરીઓનાં મન મળે અને એક બીજાને ગમતું માત્ર મળ્યે છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાત લખનારાઓની કોરી કલ્પના અને ભંગોરીયા હાટ તેમજ આદિવાસી સમુદાયને બદનામ કરવા જેવી વાત છે, આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરીનું લગ્નની ઉંમર થતાં માંગુ નાખવાથી લઇને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરિક રીત રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓને પરણાવવા જેવી ખુબ સામાજિક બંધારણ મુજબની સુંદર સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે, ભંગોરીયા હાટ કે હોળી બાદ ભરાતા મેળાઓએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઇ, પારંપરિક આદિવાસી વાજિંત્રોના તાલે મહાલવાની તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે નો એક ભાગ છે.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસીઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આદિવાસીઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકે ની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયમાથી આવતા હોય જેથી તેઓની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે. ભંગોરીયા હાટમાં મધ્યપ્રદેશના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશના ભંગોરીયા હાટમાં પણ ઉમટી પડતી હોય છે.
૧૮ માર્ચ થી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભંગોરીયા હાટ આ પ્રમાણે છે.
સોમવાર- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, મધ્યપ્રદેશના અલીરાજપુર,ભાભરા,બડાગુડા.
મંગળવાર- સાગટાળા, મધ્યપ્રદેશના વખતગઢ, આંબુઆ.
બુધવાર- છોટાઉદેપુર નાં રંગપુર(સ), મધ્યપ્રદેશના ચાંદપુર,બરઝર, ખટ્ટાલી,બોરી.
ગુરુવાર- છોટાઉદેપુર નાં દેવહાટ,ભીખાપુરા, મધ્યપ્રદેશના ફૂનમાલ, સોંઢવા,જોબટ.
શુક્રવાર- છોટાઉદેપુર નાં ઝોઝ, મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા,વાલપુર,ઉદયગઢ.
શનિવાર- છોટાઉદેપુર, મધ્યપ્રદેશના નાનપુર,ઉમરાલી.
રવિવાર- છોટાઉદેપુર નાં પાનવડ મધ્યપ્રદેશના છકતલા,સોરવા,આમખૂટ,ઝિરણ,કનવાડા,કુલવટ.