ગુજરાત: અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ. ડી. ચંપાવતની બદલી 31 માર્ચ 2026ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થતાં, તેમના વિદાય સન્માનનો એક વીડિયો મને એક મિત્રએ મોકલ્યો છે. તેમાં પોલીસ ઈન્સ્પેકટર પર પુષ્પવર્ષા થઈ રહી છે. અને પૂછયું છે કે કોઈપણ અધિકારીની બદલી થાય તો આવું કરવું કેટલું ઉચિત ?
પોલીસતંત્રમાં પુષ્પવર્ષાવાળા વિદાય સમારંભો યોજાતા હોય છે. માર્ચ 2026ના અંતમાં IPS અધિકારીઓની બદલીઓ થઈ. તેમાં રેન્જ IGP પણ બદલાયા. તેમના વિદાય સમારંભો યોજાયા હતા. આવા વિદાય સમારંભોમાં તાબાના અધિકારીઓ પ્રશસ્તિ કરતા હોય છે. ભલે પછી તેમના સમય દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ ન હોય/ ગુંડાઓ બેફામ બન્યા હોય/ લઠ્ઠાકાંડમાં 39 લોકોના મોત થયા હોય કે અન્ય શરમજનક ઘટનાઓ બની હોય. બદલી પામતા અધિકારીઓ વાહવાહી સાંભળીને ખુશ થતા હોય છે.
વિદાય સાદગીભરી હોય, તે જરુરી છે. નાના પુષ્પગુચ્છ દ્વારા પણ સન્માનની લાગણી વ્યક્ત કરી શકાય છે. પુષ્પવર્ષા કરવાની જરુર નહીં. પોલીસ જેવા વિભાગમાં ટીમવર્કનું મહત્વ છે. તેથી ટીમ ભાવના વ્યક્ત થાય તો તેમાં કંઈ ખોટું નથી.
પોલીસ અધિકારી ધાર્મિક નેતા કે ફિલ્મ કલાકાર નથી, તેથી તેમની વિદાયમાં બિનજરૂરી ખર્ચ કે દેખાડો ન હોવો જોઈએ. પોલીસ અધિકારી ઉપર સતત પુષ્પવર્ષા કરવી તે અનુચિત છે. પોલીસ અધિકારી સરકારી ‘સેવક’ છે, જેનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. બદલી એ તેમની નોકરીનો સામાન્ય ભાગ છે. જ્યારે સ્ટાફના માણસો કે સ્થાનિક લોકો તેમની પર પુષ્પવર્ષા કરે છે ત્યારે તે વધારે પડતી ચેષ્ટા કહેવાય. આ સામંતી (feudal) વ્યવસ્થાની યાદ અપાવે છે, જ્યાં રાજા, જમીનદાર અથવા અધિકારીને ‘પ્રજા’ દ્વારા આવા સન્માન આપવામાં આવતા હતા.
ઘણી વખત આવા વિદાય કાર્યક્રમોમાં સ્થાનિક લોકો સામેલ હોય છે. તેની પાછળ ભવિષ્યમાં સુવિધા મેળવવાની અપેક્ષા અથવા પ્રભાવ વધારવાનો હેતુ હોઈ શકે છે. આ પોલીસ વ્યવસ્થાને ‘સેવા’ નહીં, પરંતુ ‘માલિક-નોકર’ અથવા ‘રાજા-પ્રજા’ના સંબંધ તરીકે મજબૂત કરે છે. એટલે જ આપણા પોલીસ અધિકારીઓ ‘રાજાપાઠ’માંથી બહાર નીકળતા નથી.
ભવ્ય પુષ્પવર્ષા/ મોટા કાર્યક્રમો/ બેનરો અને મીડિયા કવરેજ સાથેનું સન્માન વધુપડતું અને ‘સામંતી’ છે. આવા કિસ્સાઓમાં તે વ્યક્તિગત સન્માનની સીમા વટાવીને ‘સત્તાનું પ્રદર્શન’ બની જાય છે. ઉત્કૃષ્ટ કામની કદર પ્રશસ્તિપત્ર આપીને થઈ શકે. તે માટે પુષ્પવર્ષાની જરુર નહીં.
સરકાર અને પોલીસ વિભાગે આવા બાહ્ય પ્રદર્શનોને નિરુત્સાહિત કરવા જોઈએ, કારણ કે તે પોલીસને ‘લોકસેવક’ નહીં, પરંતુ ‘લોકપ્રિય અધિકારી’ બનવા તરફ લઈ જાય છે. વિદાય સમારંભ સામંતી વ્યવહાર અને ચાપલુસીનું પ્રતીક બનવા ન જોઈએ. તે પોલીસ-નાગરિક સંબંધને સ્વસ્થ નહીં, પરંતુ તાબેદાર અને અસમાન બનાવે છે. સારા અધિકારીનું સન્માન તેમના કામમાં હોવું જોઈએ, પુષ્પવર્ષામાં નહીં.
1857ના વિદ્રોહ પછી અંગ્રેજોએ Indian Police Act 1861 બનાવ્યો, તેનો હેતુ લોકો પર કાબૂ રાખવાનો હતો, લોકોની સેવાનો ન હતો. ઉપરી અધિકારીઓ (મોટેભાગે યુરોપિયન)ને ‘માસ્ટર’ અને નીચલા રેન્ક (ભારતીય કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ)ને ‘સર્વન્ટ’ તરીકે જોવામાં આવતા. આ રેશિયલ અને હાયરાર્કિકલ સ્ટ્રક્ચર આજે પણ ચાલુ છે; IPS અધિકારીઓ અને સ્ટેટ સર્વિસ વચ્ચે, તેમજ અધિકારી અને જવાન વચ્ચે. સામંતી પ્રથામાં ‘ઉપરીને ખુશ કરવાની’ માનસિકતા વિકસે છે. તાબાના માણસો ઉત્સાહપૂર્વક પુષ્પવર્ષામાં જોડાઈ જાય છે.
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક/ નિયમો, 1971ના નિયમ-14 મુજબ આદર સત્કાર સમારંભ સાદો અને કરકસરભર્યો હોવો જોઈએ. વાસ્તવિકતા તો એ છે કે પુષ્પવર્ષાનો ખર્ચ મોટાભાગે બુટલેગર કે અસામાજિક પ્રવૃત્તિ કરનારના માથે જ હોય છે !
BY: રમેશ સવાણી











