રાજપીપલા: 8 મી થી 12 મી માર્ચ-2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહા શિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુળદેવી યાહા મોગી પાંડોરી માતાજીના મેળાના આયોજન સંદર્ભે કલેકટર કચેરી વચ્ચે બેઠક યોજાઈ હતી.
Decision News ને મળેલી મળેલી માહિતી મુજબ પરંપરાગત ભાતીગળ મેળાની થનારી આ ભવ્ય ઉજવણીના સુચારૂ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મેળામાં આવતા યાત્રિકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે જોવા જિલ્લા કલેક્ટરશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, શ્રી મિતેશ પટેલ(સામાજિક વનીકરણ), નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સરવૈયા, સુશ્રી વાણી દૂધાત, દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ડી.આર. સંગાડા, દેડીયાપાડા-સાગબારાના મામતદારશ્રી શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ શ્રી સાર્વજનિક દેવમોગરા માઇ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી ધીરસીંગભાઈ વસાવા, ઉપપ્રમુખશ્રી નાનસિંગભાઈ વસાવા, મંત્રીશ્રી કાંતીભાઇ કોઠારી તેમજ ટ્રષ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પીવાના સ્વચ્છ પાણી, સતત વિજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા, વધારાની એસ.ટી. બસ રૂટની વિશેષ સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સ્નાન-સેનીટેશનની વ્યવસ્થા, CCTV કેમેરાની ગોઠવણી, ફાયર બ્રિગેડ, મનોરંજનના સાધનોની તાંત્રિક મંજૂરી અગાઉથી મેળવી લેવા જેવી બાબતો સુનિશ્વિત કરી લેવા પર ખાસ ભાર મુક્યો હતો.
આ મેળામાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક ભાતીગળ મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રધ્ધાળુઓ-યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે, ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારા આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા જણાવાયું હતું.
દેવમોગરા ખાતે યોજાનારા પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં CCTV ફુટેજ ઉપરાંત મંદિર પરિસરની બહારના ભાગે તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે લાઈટીંગની વ્યવસ્થા ઉભી કરવી. તદ્ઉપરાંત DGVCL દ્વારા વીજપુરવઠો સતત જળવાઈ રહે, આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર ખાતે, કણબીપીઠા ખાતે અને દેવમોગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો સાથેનો પેરામેડીકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીમાં ક્લોરીનેશનની પણ વ્યવસ્થા કરાઇ છે. એસટી તંત્ર દ્વારા સેલંબા-ડેડીયાપાડા-નેત્રંગ અને રાજપીપલા ખાતેથી વધારાની બસ સેવાઓની ઉપલબ્ધિ ઉપરાંત જિલ્લા વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા મેળા દરમિયાન કંટ્રોલરૂમ પણ કાર્યરત રહેશે અને મેળામાં જરૂરી સૂચનાઓ લાઉડ સ્પીકર દ્વારા સતત લોકોને આપવામાં આવશે. શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રષ્ટના 400 ઉપરાંત સ્વયંસેવકો પણ સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સેવાઓ પુરી પાડી વ્યવસ્થા અંગે દર્શનાર્થીઓને સમજ આપશે.

