માંડવી: સસ્તા અનાજની દુકાનોમાં કાળા કારોબાર આને ભ્રષ્ટાચાર નાથવા સરકાર દ્વારા ઓનલાઈન સોફ્ટવેર થકી ડિજીટલ પાવતી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ જ સંદર્ભે તાજેતરમાં માંડવી તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં આદિવાસી આગેવાન અને AAP ગુજરાત પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અખિલ ચૌધરી દ્વારા માંડવી-2 સ્થિત કાયમી દર્શનસિંહ કીર્તિપાલ પરમાર ની દુકાનની મુલાકાત કરતા સામે આવ્યું હતું કે સસ્તા અનાજની આ દુકાન ડિજીટલ પાવતી ની જગ્યાએ સાદા કાગળ ઉપર સરકારી નિયમોથી વિપરિત પાવતી આપી રહી છે.

ઓનલાઈન સ્લીપ આપવા બાબતે જણાવતા દુકાનદારે બપોરે મળી જશે જેવી વાત ઉચ્ચારી હતી સાથે જ મારું નામ દર્શનસિંહ છે કહી સામાજીક કર્મશીલને વાત રફેદફે કરવા ઈશારો કર્યો હોય તેમ અખિલ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે.સાથે જ કાયમી સસ્તા અનાજના આ પરવાનેદાર મુજબ તમને અનાજ મળે છે ને? જેવી વાત કરી પાવતી ની વાત દબાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાય આવે છે.

આ મુલાકાત જનતા રેડ માં ત્યારે પરિવર્તિત થઈ ગઈ જ્યારે દુકાન ઉપર અન્ય નાગરિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે બાજરી જેવું અનાજ નાગરિકો ને આપવામાં આવતું જ નથી. માય રાશન એપ મુજબ લાભાર્થીને મળવા પાત્ર જથ્થાની વિગત આપવામાં આવે છે તેમાં 7 (સાત કિલો) બાજરી માસિક આપવાનો ઉલ્લેખ કરાયો છે જે માંડવીમાં આપવામાં આવતી નથી તેમ જાણવા મળ્યું હતું. સરકારી ડેટા આધારે સમગ્ર માંડવી તાલુકામાં 14 મેટ્રિક ટન (NFSAPHH) તેમજ અન્ય 6 મેટ્રિક ટન (NFSA અંત્યોદય બાજરી) આવે છે તો નાગરિકોને આ પુરવઠો આપવામાં આવતો નથી જે જીલ્લા પુરવઠા અધિકારીના નાક નીચે ભયંકર કાળો કારોબાર ચાલતો છે કે કેમ તેની ઉચ્ચ કક્ષાએ તપાસ જરૂરી બની છે.

આ સંદર્ભે આગેવાન અખિલ ચૌધરી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ નાગરિકોને મળનાર અનાજ બાબતે ગંભીરતાપૂર્વક માંડવી તાલુકાના 58 જેટલા પરવાનેદારની સસ્તા અનાજની દુકાનોમાં મુલાકાત કરી નાગરિકોને પડતી મુશ્કેલી તેમજ ગેરરીતી બાબતે કાયદેસર પ્રક્રિયા કરી રહ્યા છે. પ્રાંત, કલેકટર, મામલતદાર કક્ષાના અધિકારીઓને જરૂરી રજૂઆત બાદ પણ જો નાગરિક હિતમા યોગ્ય નિર્ણય નહીં મળે તો સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટેના દરવાજા ખખડાવા પડે તો પણ અમે આગળ વધીશું તેમ તેમણે જણાવ્યું હતું.

મામલતદાર કચેરીની નજીકમાં જ ચાલતી દર્શનસિંહ કીર્તિપાલ પરમાર ની સસ્તા અનાજની દુકાનની મુલાકાત થકી આવી ગંભીર બાબત ઊજાગર થતી હોય કે બાજરી ના મળતી હોય તેમજ ઓનલાઈન સ્લીપ આપવામાં ના આવતી હોય તો તાલુકામાં કાર્યરત કુલ 58 સસ્તા અનાજની દુકાનોમાં શું થતું હશે તે અખિલ ચૌધરી જેવા જાગૃત આગેવાનોની આવી મુહિમ થકી આવનાર દિવસોમાં બહાર આવશે તો તે નક્કી છે કે જીલ્લા પુરવઠા અધિકારીના નાક નીચે ભયંકર કાળો કારોબાર ચાલતો છે કે કેમ તે વાતનું દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે. હવે જોવાનું તે રહે છે દાળમાં કાળું છે કે આખી દાળ જ કાળી છે?