ગાંધીનગર: આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા બજેટ સત્રમાં હાજરી આપવા વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે ચૈતરભાઈ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, ગયા બજેટમાં આદિવાસી સમાજ માટે 3410 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ એ બજેટને સગેવગે કરવા માટે આ સંગઠન અને સરકારના માણસોએ પડદા પાછળ રહીને તમામ આદિવાસી જિલ્લાઓમાં નકલી કચેરીઓ બનાવી હતી.

આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજ સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી. અનેક મુદ્દાઓ પર અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરી છે, તેમ છતાં પણ આજે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, તેના કારણે આદિવાસી વિસ્તાર ભ્રષ્ટાચારથી ખદબદે છે.

અમારું માનવું છે કે લોકસભા ચૂંટણીના કારણે સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી હશે. અમે ભરૂચ લોકસભાથી ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આખા દેશમાં ઇડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમારા જેવા ધારાસભ્યોને પણ ખોટા કેસોમાં દબાવવામાં આવે છે. ભાજપ લોકશાહીનું હનન કરીને સમગ્ર દેશ પર કબજો કરવા માંગે છે. પરંતુ દેશમાં લોકતંત્ર બચાવવા માટે અમે ભાજપ સામે લડતા રહીશું.

આજે આરોગ્ય ક્ષેત્ર હોય કે શિક્ષણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ આવી ગયું છે. એમાં ભાજપ સરકારના કોન્ટ્રાક્ટરો અને એનજીઓને કામ આપવામાં આવે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનું સપનું હતું કે તેઓ સરકારી શિક્ષક બનશે, પરંતુ આ સરકારે જ્ઞાન સહાયક યોજના લાવીને યુવાનો સાથે અન્યાય કર્યો છે. આ બજેટ સરકારના લાગતા વળગતા લોકોને ફાયદો પહોંચાડે એવું હશે એવું અમારું માનવું છે.