અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશો દ્વારા 95 વર્ષ જૂના બંધારણને રાતોરાત બદલી નાખ્યું છે. બંધારણ બદલવા પાછળનો ખેલ સામે આવ્યો છે. બંધારણ બદલાયા બાદ વિધાપીઠ મંડળની મળેલી બેઠકોમાં લેવાયેલા નિર્ણયો મુજબ હવે ગૂજરાત વિધાપીઠના કુલનાયક કે કુલ સચિવ એટલે કે વાઈસ ચાન્સેલર રજિસ્ટ્રાર મંડળના મંત્રીને પૂછયા વિના પાઈ પણ ખર્ચી નહી શકે.

Decision News ને મળેલી માહિતી મુજબ હવે મંડળના મંત્રીની સત્તા એટલી વધારી દેવામાં આવી છે કે, તેઓ એક સાથે રૂ.5 લાખનો ખર્ચ કોઈની મંજૂરી મેળવ્યા વિના કરી શકે છે, જ્યારે વાઈસ ચાન્સેલની ખર્ચ કરવાની સત્તા શૂન્ય કરાઈ છે. કર્મચારીઓની બઢતી, પગાર ધોરણ સહિતની સેવાકીય બાબતોના નિર્ણય પણ મંડળને આધીન કરી દેવામાં આવ્યાં.

વિધાપીઠના નવા બંધારણમાં ખર્ચ કરવાની જે જોગવાઈ કરવામાં આવી છે એ મુજબ મંડળના પ્રમુખને રૂ.25 લાખ ખર્ચ કરવાની સત્તા અપાઈ છે. આ સિવાય મંત્રીને રૂ.5 લાખ જ્યારે વિભાગીય અધ્યક્ષ- સંયોજકને રૂ.10 હજાર ખર્ચ કરવાની સત્તા અપાઈ છે. મહત્વની વાત તો એ છે કે, કુલનાયક અને કુલસચિવને એકપણ રૂપિયાનો ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી નથી.

છેલ્લા 6 વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠમાં કેન્દ્ર સરકાર દ્વારા નોન-સેલેરી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. જેથી પગાર-પેન્શન સિવાયનો ખર્ચ મંડળના પૈસાથી કરવામાં આવી રહ્યો છે. જે મુજબ મંડળની બેઠકમાં જે નિર્ણયો-ઠરાવ કરવામાં આવ્યાં છે કે, ઉચ્ચ શિક્ષણને પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત દર મહિને મંડળમાં રજૂ કરવા તેમજ તે અનુસાર મંત્રીએ નાણાકીય વર્ષ-2023-24 માટે રૂ.5 કરોડની મર્યાદામાં ઉચ્ચ શિક્ષણના પગાર પેન્શન સિવાયના આવશ્યક ખર્ચની વિગત મુજબ નાણાં ઉચ્ચશિક્ષણને તબદીલ કરવાની સત્તા રહેશે તેમ ઠરાવવામાં આવ્યું. આ ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત તમામ સંસ્થાઓમાં સેવકોની નિમણૂક, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ, નિવૃત્તિના લાભ સહિતની સેવા વિષયક બાબતોમાં જરૂરી નાણાકીય જોગવાઈ કરવાની સત્તા પણ વાઈસ ચાન્સેલર પાસેથી લઈ લેવામાં આવી છે.

હવે આવનારા સમયમાં ગૂજરાત વિધાપીઠને વાઈસ ચાન્સેલર એકપણ નિર્ણય કરી નહિ શકે. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા નવા સત્તાધીશો દ્વારા વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરની સ્થિતિ એક ગ્રાન્ટેડ શાળાના આચાર્ય જેવી બનાવી દેવામાં આવી છે.