ઝારખંડ: ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા ધરતીઆબા બિરસામુંડાજીની જન્મજયંતી નિમિત્તે તા.15 થી 19 નવેમ્બર દરમ્યાન પાંચ દિવસીય સંવાદ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદમાં ભારતના 28 રાજ્યોમાંથી આદિવાસી સમુદાય ઉપસ્થિત રહ્યો હતો જેમાં દ. ગુજરાતનાં 15 જેટલા આદિવાસી યુવાન યુવતીઓએ પણ ભાગ લીધો હતો.
સંવાદના પ્રથમ દિવસે ગુજરાતના યુવાનો સૌ પ્રથમ બિરસામુંડા જન્મજયંતિ હોવાથી બિરસામુંડાની જન્મભૂમિ ઝારખંડ રાજ્યના ખૂંટી જિલ્લામાં આવેલ ઉલિહાતુ ખાતે એમના જન્મસ્થળ તેમજ એમના ગામની મુલાકાત લીધી હતી. પાંચ દિવસીય સંવાદ વિવિધ મુખ્ય સાત ભાગોમાં વહેંચાયેલો છે જેમાંથી સંવાદના અખરામાં નરેન ચૌધરી એ ધરતી માટે આદિવાસીયતના સત્રમાં ગુજરાતની ધરતી વંદના નાય ભૂલજી આમુ ગાયને સત્રની શરુઆત કરી હતી અને પોતાના વિચારો રજૂ કર્યા હતા જેને હાજર રહેલા સૌએ વધાવી લીધા હતા તેમજ વોક વિથ મી ના સત્રમાં મિત્તલ ચૌધરીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ગુજરાતના પ્રતિનિધિત્વ તરીકે દિવ્યા પટેલ સાથે ચેન્જ મેકર્સ વોકમાં પણ ભાગ લીધો હતો જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ડાંગના તુષાર કામડીએ રાત્રી દરમ્યાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રિધમ ઓફ ધ અર્થના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમણે જાતે બનાવેલી રચના જોહાર વાલે હમ ગાયને શ્રોતાઓને સંગીતના તાલે ઝુમાવી દીધા હતા.અખરાના દસ્તક નામના સત્રમાં ચિરાગ ચૌધરી, તથા કેયુર મહેતા અને દર્શના વસાવા અને ભોવન રાઠોડે ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ આદિવાસીયત કા અર્થના સત્રમાં કેયુર કોંકણી, વિજય વસાવા, અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના બ્રિજેશ ભુસરાએ અને રિતેશ પટેલે ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા હતા. હિતેન પટેલે સંવાદના છેલ્લા દિવસે અખરામાં ગુજરાતનું લોકપ્રિય સંગીત એક જ ચાલે આદિવાસી જ ચાલે ગીત ગાઈને દર્શકોના દિલ જીતી લીધા હતા.
પ્રદીપ ધોડિયાએ સંવાદના ફેલોશિપ અને સમુદાય કે સાથ નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગુજરાતના આદિવાસી યુવાઓએ સંવાદના રાષ્ટ્રીય મંચ ઉપર ગુજરાતના આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.