વલસાડ: વલસાડના રંગ પૂંજા થિયેટરના સ્થાપક પ્રમુખ સતીશભાઈ દેસાઈ ઉપસ્થિતિમાં ધરમપુરની શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતના સયુંકત ઉપક્રમે વન વિજયી નાનુભાઈ દેસાઈની સ્મૃતિમાં યુનિવર્સિટી કક્ષાની એક પાત્રીય અભિનય સ્પર્ધા યોજાઈ હતી.
સતીશભાઈ દેસાઈએ જણાવ્યું કે, એકપાત્રીય અભિનય કે નાટક સમાજને અસરકાર સંદેશો પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. અભિનય શ્રેષ્ઠ કલા છે. વ્યક્તિત્વ ઘડતરમાં તેનો મહત્વનો ફાળો હોય છે. આ કલાથી વ્યક્તિને નિર્ભય બની અસરકારક રજૂઆતના પાઠ શીખવા મળે છે. કોલેજોમાં વર્કશોપ યોજી તેને સુંદર ઘાટ આપી શકાય છે.
ઇન્ચાર્જ આચાર્ય ડૉ.વી.ડી.પટેલે જણાવ્યું કે, એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા નાનુભાઈ દેસાઈમાં આદિવાસી લોકોના કલ્યાણ અર્થે સહકાર અને શિક્ષણથી ધરમપુર- કપરાડા-વાંસદાના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી પૂરી પાડી આશ્રમશાળાઓ સ્થાપી અંધારિયા વિસ્તારને શિક્ષણથી પ્રકાશિત કર્યા હતા. તેઓ આદિવાસી વચ્ચે કાર્ય કરતા કરતા આદિવાસી વચ્ચે આદિવાસી બનીને રહ્યા હતા.
એકપાત્રીય અભિનય સ્પર્ધાનું પરિણામ નિર્ણાયક સતીશભાઈ દેસાઈ તથા હેત દેસાઈએ ઘોષિત કર્યું હતું. જેમાં એકપાત્રીય અભિનયથી અભિનય સ્પર્ધાનું ફરતું શિલ્ડ બી.એડ.કોલેજ બરૂમાળને એનાયત કરવામાં આવ્યું હતુ. વ્યકિતગત પ્રથમ ઈનામ નિકિતા જાદવ જિલ્લા ઇન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન ટ્રેનીંગ, નવસારી તથા બીજુ ઈનામ પરમાર ક્રિષ્ના,બી.એડ.કોલેજ,બરૂમાળ, ત્રીજું ઈનામ અજયભાઈ, વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરને મળ્યું હતું. દરેક સ્પર્ધકોને આશ્વાસન ઇનામ સમારંભના પ્રમુખ ભરતભાઈ દેસાઈએ આપ્યા હતા. પ્રા.બી.એમ.રાઠોડ, પ્રા.એન.ટી.ઢીમર તથા ડૉ મીતાબેન પારેખ, પ્રા.વર્ષાબેન પટેલે સ્પર્ધાનું સંચાલન કર્યું હતું. પ્રા.શૈલેષ રાઠોડની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આભારવિધિ પ્રા.ભરતસિંહ રાઠોડે કરી હતી.