રાજપીપલા: ગતરોજ નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી પ્રસંગે દેડીયાપાડાના બીઆરસી ભવન ખાતે “સશક્ત કિશોરી, સૂપોષિત ગુજરાત” થીમ આધારિત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ સૌ ઉપસ્થિત અધિકારીશ્રીઓએ દીકરીઓને શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે માહિતગાર કરીને શિક્ષણની સાથે પોષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના મહત્વ અંગે માર્ગદર્શિત કર્યા હતા. અને સ્વચ્છતા હી સેવા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત અધિકારીશ્રી, આંગણવાડી કાર્યકર બહેનો સહિત દીકરીઓએ પણ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવાની પ્રતિજ્ઞા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રવ્યાપી આ ઝુંબેશ થકી નર્મદા જિલ્લાના બાળકોમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તે ખુબ જરૂરી છે.
આ કાર્યક્રમમાં લીડ બેન્ક મેનેજરશ્રી સિન્હા, ડીસ્ટ્રીક હબ હોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) કર્મચારીશ્રી પ્રણયભાઈ એરડા સહિત સંપૂર્ણ સ્ટાફ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મયોગીઓ, આરોગ્ય વિભાગની ટીમ, શી ટીમ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના સંબંધિત કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.