નવસારી: ગતરોજ વાસદા તાલુકાના ખાટા આંબા ગામે એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં ઝેરી દવા ગટગટાવનાર યુવાનને સમયસર સારવાર ન મળતા મોતને ભેટ્યો છે. જો કે, ચોંકાવનારી બાબત એ પણ છે કે, બિસ્માર રસ્તા ના કારણે યુવાનને દોઢ કિલોમીટર સુધી દવાખાને ઝોળીમાં લઈ જવો પડ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જો ગામમાં સારો રસ્તો હોત અને સમયસર એમ્બ્યૂલન્સ આવી ગઈ હોત તો કદાચ યુવકનો જીવ બચી ગયો હોત.
Decision News ને મળેલી વિગતો મુજબ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના બાબુનીયા ફળિયાના યુવાને ઘર કંકાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી હતી. ગ્રામજનોએ હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ બોલાવી હતી એમ્બ્યુલન્સ તો સમયસર આવી, પરંતુ રસ્તો કાચો હોવાથી તે ઘર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે ગ્રામજનોએ સમય વેડફ્યા વગર બામ્બુના દંડા પર ઝોળી બનાવી યુવાનને તાત્કાલિક મુખ્ય રસ્તા સુધી પહોંચાડ્યો હતો જેમાં દોઢ કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કાપવું પડ્યું હતું જેમાં લાંબો સમય વેડફાયો હતો. મહામહાનેતે એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા બાદ ત્યાંથી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવાનના શ્વાસ થંભી ગયા હતા. હદ તો ત્યારે થઈ કે પરત આવતા યુવાનના મૃત શરીરને પણ ઝોળીમાં લાકડાના સહારે લાવવામાં આવ્યું હતું. ત્યારે આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની ઠેકડી ઉડાવતી આ ઘટનાથી ગ્રામજનોને તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ખાટાઆબાના બાબુનિયા ફળિયામાં રહેતા યુવાનએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્થાનિકોએ તાત્કાલિક તેમને સારવાર અપાવવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ ઘરથી મુખ્ય રસ્તો કાચો હોય દોઢ કિલોમીટર સુધી યુવાનો એક ઝોળી બનાવી તેને ઊંચકી 108 સુધી પહોંચાડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા યુવાને રસ્તામાં દમ તોડી દીધો હતો. જો પાકો રસ્તો બન્યો હોત તો કદાચ યુવાન અને સારવાર મળી શકી હોત અને તે આજે જીવતો હોત. આઝાદીથી અત્યાર સુધી વાંસદાના કુલ 50 રસ્તા એવા છે કે જે ડામરથી પાકા બન્યા નથી જેને કારણે ગ્રામજનોને હાલાકી નો સામનો કરવો પડે છે.

