ડાંગ: ગતરોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વઘઈ તાલુકાના બોર્ડર વિલેજમા સમાવિષ્ટ બારખાંધ્યા ગામની જાત મુલાકાત લઈ, વિકાસકીય કામોની સમીક્ષા કરી હતી. સમગ્ર ગામની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ સમજી મંત્રીશ્રીએ વિકાસકીય કામો પૂર્ણ કરવા જણાવ્યું હતુ.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ બારખાંધ્યા ગામની જાત મુલાકાત દરમ્યાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સરહદમાં સમાવિષ્ટ બોર્ડર વિલેજનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેનાથી અન્ય દેશ/રાજ્યમા લોકો હીજરત કરતા અટકી શકે. સાથે જ રાજ્યની બોર્ડરમા સમાવિષ્ટ ગામડાઓનો વિકાસ થાય, લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સંકલ્પ નિર્ધારિત કરવાનો છે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી જિલ્લાને અંધારાપટમાંથી મુક્ત કરાવ્યો છે. વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર બોર્ડર વિલેજના ગામડાઓને છેલ્લે નહીં પણ પ્રથમ ગામ ગણી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ગામડાઓની મુલાકાત કરી રહ્યા છે. ડબલ એન્જીન સરકાર હમેંશા લોકો માટે કાર્યરત છે. ડાંગ જિલ્લામાં પાણીની સુવિધાઓ પુરી પાડવા માટે મહાકાય ડેમો નહીં પણ, નાના ડેમો બનાવી સરકાર પાણીનો પ્રશ્ન દૂર કરશે, તેમજ મહાકાય ડેમો થી વિસ્થાપિત થવાનો ભય રાખવો નહીં તેમ ગ્રામજનોને સુનિશ્ચિત કરાવ્યુ હતું.
મંત્રીશ્રીની આ મુલાકાત પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા સદસ્ય સવિતાબેન, વઘઇ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, કિશોરભાઈ ગાવિત, દિનેશભાઇ ભોયે, ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશ પટેલ, વધઇ તાલુકા મામલતદારશ્રી એમ.આર.ચૌધરી ઉપરાંત વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

