ધરમપુર: ગતરોજ મહારાષ્ટ્ર રાજયની સીમાને અડીને આવેલા ધરમપુર તાલુકાના ખડકી અને મધુરી ગામોમાં રમણલાલ પટેલ તરફથી તેઓના માતુશ્રી અને ધર્મપત્નીની યાદમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર યોજવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ જમીનને ફળદ્વુપ બનાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ મગદલ્લાનાં રમણલાલ પટેલ યુવાનોને શરમાવે તેવો કર્મયોગને જીવન મંત્ર બનાવ્યો હતો. જેઓ સમાજના તથા વિકાસથી વંચિત લોકો માટે સમર્પિત છે. તેઓએ તેમના માતુશ્રી લક્ષ્મી બા અને ધર્મપત્ની લક્ષ્મીબેનની સ્મૃતિમાં ખડકી અને માધુરી ગામના ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતીની શ્રી શ્રી ટ્રસ્ટ ફોર અગ્રિક્લચર એન્ડ સાયન્સ બેંગ્લોર ગુજરાત તરફથી ત્રણ દિવસની તાલીમ અપાવી હતી. આ ગામોમાં સુજાતાબેન શિક્ષણ અને જળ જમીન વ્યવસ્થા માટે ૨૫ વર્ષથી સર્વોદય મંડળ મારફત સેવાનો ભેખ ધારણ કરી કાર્ય કરી રહયા છે. ગત વર્ષે સમાજસેવી કિરણભાઈ ઇનામદાર થકી વેકેનઝા કંપની તરફથી વિવિધ ફળાઉ છોડોનું અનેવિવિધ શાકભાજીના છોડનું વિતરણ કરાયું હતું જેને આ ગામના લોકો કુદરતના બાળકો પોતાના બાળકોની જેમઉછેરી રહ્યા છે. પ્રાકૃતિક શાકભાજી ઉગાડીને તેનો પરસ્પર ઉપયોગ કરી રહ્યા છે. આ સેમિનારમાં પણ રમણભાઈ પટેલ પરિવારના સૌજન્યથી વિવિધ પ્રકારના હજારો છોડનું વિતરણ કરાયું છે.

આ કાર્યમાં શ્રી શ્રી ટ્રસ્ટ નાં રાજ્યના કો ઓર્ડિનેટર પૃથ્વી આર પટેલ, પંડિત, નલિની પટેલ તથા તેઓની ટીમે માર્ગદર્શન આપ્યું હતું, આ વિસ્તારની સેવાનો ભેખ, લીધેલ અર્થશાસ્ત્રી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ સુદર્શનભાઈ અયાંગર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપી રમણલાલ પટેલની માતૃભક્તિ અને જીવન સંગીનીમાટેના પ્રેમ ને વખાણી સદ્દગતોનાં આત્માને શાંતિ માટે તેઓની મધુર સ્મૃતિતાજી રાખવા માટેના આ નૂતન અભિગમની ખુબ સરાહના કરી હતી.