વાંસદા: વાંસદા તાલુકાના ખેડૂતોને છેલ્લા ત્રણ મહિનાથી જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર મળતું ન હોવાની રાવ ઊઠી રહી છે. આ સબસિડાઇઝ રાસાયણિક ખાતરના કાળાબજારની આશંકાના કારણે સમગ્ર વાંસદા પંથકમાં યુરિયાની ભારે અછત હોવાનું રહી હોવાની શક્યતા નકારી શકાતી નથી.

DECISION NEWS ને મળેલ જાણકારી મુજબ વધતી માંગની સામે ખેડૂતોને પૂરતી માત્રામાં યુરિયા ખાતર મળતું ન હોવાની રાવ ઊઠી રહી છે, તો ઘણી જગ્યાએ ખાતર મળતું હોય ત્યાં એક નેનો યુરિયાની બોટલ પણ સાથે આપી જ દેતા હોવાની પણ ખેડૂતોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે યુરિયા ખાતરનું વેચાણ જમીન આધારે કેટલી બેગ મળવા પાત્ર થાય છે એ દ્વારા નક્કી કરાય છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ તે ખેડૂત છે કે નહીં અને યુરિયાનો ઉપયોગ ખેતી માટે જ કરવાનો છે કે નહી તેની ખાતરી કર્યા વગર આધારકાર્ડ બતાવે એટલે તે વ્યક્તિ જેટલી બેગ યુરિયા માંગે તેટલી આપી દેવામાં આવે છે.

વાંસદા તાલુકામાં ઘણા બધા દુકાનધારકો રાસાયણિક ખાતર વેચવાનો પરવાનો ધરાવે છે. તેમાં સહકારી મંડળીઓનો પણ સમાવેશ થાય છે. આ ખાતર વેચવાનો પરવાનો ધરાવતી દુકાનો- મંડળીઓમાં યુરિયા, ડાય, પોટાશ, ફોસ્ફરસ, સલ્ફેટ, મિક્ષ કન્ટેઈન્ટ ધરાવતા ફર્ટિલાઇઝર વગેરેનું વેચાણ થાય છે. જેમાં ખેડૂતોમાં યુરિયા ખાતરની માંગ સૌથી વધુ રહે છે. વાંસદા વિસ્તારમાં જમીનમાં નાઈટ્રોજનની માત્રા પ્રમાણમાં ઓછી હોવાથી ખેતી પાકમાં યુરિયા ખાતર નાખતા તુરંત પરિણામ મળતું હોવાથી ખાસ કરીને યુરિયા ખાતરના ઉપયોગ પછી પાક લીલોછમ દેખાતો હોવાના કારણે ખેડૂતો યુરિયાનો ઉપયોગ વધુ કરતા આવ્યા છે.