કપરાડા: વલસાડ-નાસિક હાઇવે ઉપર કપરાડા તાલુકાના દિક્ષલ ગામ ખાતે એક પેટ્રોલ પમ્પ ઉપર મધ્ય રાત્રીએ અજાણ્યા 12 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. વોચમેન સહિત 3 કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આરોપીઓનું પગેરૂ ન મળે તે માટે DVR પણ સાથે લઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસની ટીમ તાત્કાલિક જિલ્લામાં નાકાબંધી હાથ ધરી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. વલસાડ અને નાસિકને જોડતા સ્ટેટ હાઇવે ઉપર આવેલા દિક્ષલ ગામ ખાતે તેજસ પેટ્રોલ પમ્પને લૂટારૂઓએ ટાર્ગેટ કર્યો હતો. 12 લૂંટારુઓએ દાંતેડા, કોયતા જેવા હથિયાર વડે પેટ્રોલ પમ્પ ઉપર ત્રાટકી કર્મચારીઓને બંધક બનાવી લૂંટ મચાવી હતી. પેટ્રોલ પમ્પ ઉપર ફરજ બજાવતા વોચમેન સહિત 3 કર્મચારીઓને હાથ પગ બાંધી કેસીયરની કેબિનમાં તોડફોડ કરી હતી. પેટ્રોલ પમ્પના CCTV ફૂટેજ જોવા લગાવવામાં આવેલી LED TVની પણ તોડફોડ કરી હતી. લૂંટારુઓ પેટ્રોલ પમ્પના કર્મચારીઓના મોબાઈલ અને રોકડા રૂપિયા મળી 7.34 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા ઉપર રૂમાલ બાંધી આવ્યા હતા.
લૂંટની આ ઘટનાને લઈને વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી કરી ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવીને લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

