સાગબારા: આમ આદમી પાર્ટીના સંગઠનની યોજાયેલી મીટીંગમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મારી વિરૂદ્ધ આવેલા કોર્ટના જજમેન્ટને લીધે ભાજપ વાળા એવું વિચારી રહ્યા છે કે, મારુ ધારાસભ્ય પદ ક્યારે જતું રહે. પણ એમનો કોઈ મેળ પડવાનો નથી. જો હું ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરુ તો હું આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકરને ધારાસભ્ય બનાવી દઉં એવી તાકાત છે. ભાજપને આવનારી લોકસભા ચૂંટણીની બીક છે. સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે અઢી વર્ષ પછી ચૂંટણી આવવાની છે એ પણ આપડે જીતવાના છીએ ને દરેક કાર્યકર સારી કામગીરી કરી રહ્યા છે.

આ બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજન વસાવા અને અન્ય AAP કાર્યકરો હાજર રહ્યા હતા અને આવનારી લોકસભા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંગઠન દ્વારા એક કમિટીનું ગઠન કરાયું તથા જિલ્લાના તમામ ગામોના બુથ પર સંગઠન વધુમાં વધુ મજબૂત થાય એ મુદ્દે  ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

બેઠકમાં લોકોને સંબોધતા AAP નેતાઓ બોલ્યા કે  નર્મદા જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ ચૈતર વસાવાના નામથી ધ્રુજે છે. એમના નામથી કામ થઈ જાય છે. જો આવા નેતા ભાજપ કે કોંગ્રેસમાં હોત તો આપણે આજે આવા ખરાબ દિવસો જોવાનો વારો ન આવત. આદીવાસી વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયાની ગ્રાંટ આપે છે. પણ છેવાડાના લોકો સુધી તે પોહ્ચતા નથી. સરકારની યોજનાઓ માત્ર કાગળ પર છે.