આહવા: ડાંગ જિલ્લામા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સફળ થયેલ રોલર ક્રેસ બેરીયર નો લાભ અકસ્માત નિવારણમા થઇ રહ્યો છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી મળેલ સુચના મુજબ ડાંગ જિલ્લાના અકસ્માત ધરાવતા ભયજનક માર્ગ પોઇન્ટનુ સર્વે કરી રોલર ક્રેસ બેરીયર નો રીપોર્ટ આપવા, તેમજ એસ.ટી.બસ ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા અંગે અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.ડી.તબીયારે જણાવ્યુ હતુ.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત ડિસ્ટ્રકટ રોડ સેફટી કમિટિની બેઠકને સંબોધતા અધિક નિવાસી કલેકટરશ્રીએ વધઇ-સાપુતારા રોડ ઉપર લાઇટ વ્યવસ્થા જાળવવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવા તેમજ અવરોધરૂપ વૃક્ષો હટાવવા અંગે વન વિભાગને સુચનો આપ્યા હતા.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે અધિક નિવાસી કલેકટરશ્રીની ચેમ્બરમા યોજાયેલી આ બેઠકમા ઇ.ચા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, ARTO શ્રી સી.આર.પટેલ સહિત કમિટિ મેમ્બરોએ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા હાથ ધરી હતી.