કપરાડા: ગતરોજ કપરાડાના ચિવલ ડુંગર ઉપર ગરમીના કારણે આગ ભભૂકી ઉઠી અને નીચે રોડની આજુબાજુ સૂકા ઘાસમાં આગ વધુ જ્વલંત બનતી જોઈ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ આગને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા પણ તે નિષ્ફળ નીવડતા ધરમપુર નગર પાલિકાની ફાયર વિભાગની ટીમને ઘટના સ્થળે બોલાવી આગ ઉપર કાબુ કરાયો હોવાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ વર્તમાનમાં કપરાડા વિસ્તારમાં જે અસહ્ય ગરમી પડી રહી છે તેને લઈને અહી મુકાયેલા લોખડના પાઇપ ગરમ થતા સૂકા ઘાસમાં આગ લાગી હોઈ શકે. આ આગની ઘટનામાં વૃક્ષારોપણ કરેલા નાના છોડ સ્વાહા થઇ ગયા હતા. પણ કોઈ જાનમાલનું નુકશાન ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાને પગલે આગામી દિવસોમાં આવા અંતરિયાળ વિસ્તારમાં આવી ઘટના ફરી ના બને એ માટેના પગલાં લેવા વન વિભાગ કટિબદ્ધ બને એ ખુબ જરૂરી છે એવું સ્થાનિક લોકોનું કહેવું છે.