ગુજરાત: રાજ્યની પ્રાથમિક શાળા બાદ હાઈસ્કૂલના શિક્ષક બનવા માટે ઈજનેરી અભ્યાસ કરેલા વિધાર્થીઓ માટેનો રસ્તો ખુલ્યો છે. હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની શૈક્ષણિક લાયકાતમાં અત્યાર સુધીમાં બી.એસ.સી. કરેલા ઉમેદવારો જ ફોર્મ ભરી શકતા હતા. જેના બદલે હવે બી.ઈ., બી.ટેક., બી.ફાર્મ. સાથે બી.એડ. કરેલા ઉમેદવારો પણ લાયક ગણાશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ અને હવે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની લાયકાતમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધીમાં બી.એ., બી.કોમ., અને બી.એસ.સી સાથે બી.એડનો અભ્યાસ કરેલા ઉમેદવારો ધોરણ.6 થી 8ના શિક્ષક માટેની ટેટ-2 અને ધોરણ. 9થી 10 અને ધોરણ.11-12 માટેની ટાટ આપી શકતાં હતા. પરંતુ ચાલુ વર્ષે શિક્ષક અભિરુચિ કસોટી (ટાટ) ના માળખામાં ફેરફાર કરવાની સાથે સાથે શૈક્ષણિક લાયકાતમાં પણ મોટો ફેરફાર કર્યો છે. પ્રાથમિક શાળા બાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની ભરતી માટેની લાયકાતમાં બી.એડ ની લાયકાત ધરાવતા એન્જિનિયરિંગ સ્નાતકોનો સમાવેશ કરવા અંગેનો ઠરાવ પ્રસારિત કરાયો છે.

આમ શિક્ષકની લાયકાતમાં ફેરફાર કરાતાં ટ્વિસ્તરીય ટાટ-1ના ફોર્મ ભરવાની મુદત જે તા.20મી મેના રોજ પૂર્ણ થતી હતી તેમાં વધુ 4 દિવસનો વધારો કરી તા.24મી સુધી મૂદત લંબાવવામાં આવી છે.