ગણદેવી: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, નવસારી જિલ્લાના કુલ ૧૩૬ ગામડાઓના લાભાર્થીઓ અને ગ્રામજનોએ વન વે કનેક્ટિવિટથી જોડાઈ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.

આ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અન્વયે ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાની ઉપસ્થિતીમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નવસારી જિલ્લામાં ગૃહપ્રવેશ મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોઇ પણ પરિવાર માટે પોતાની માલિકીનું ઘર હોવું એ સપનું હોય છે જે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી અનેક પરિવારોનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે.

આ પ્રસંગે માછીયાવાસણ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જીગીષાબહેન પટેલે હર્ષની લાગણી સાથે જણાવ્યું કે પાકું ઘર બનાવવુ ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી આજે મને પોતાનું ઘર મળ્યું છે જે બદલ હું સરકારશ્રીનો ર્હદયપૂર્વક આભાર માનું છું.

નવસારી જિલ્લામાં કુલ ૧૩૬ ગામોમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ લાઇવ નિહાળવા સાથે સાથે અગાઉ ગામે-ગામ પ્રભાતફેરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લાભાર્થીઓના ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી. માછીયાવાસણ ગામમાં યોજાયેલ અમૃત આવાસોત્સવના જીવંત પ્રસારણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી, ગણદેવી તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, ગૃહપ્રવેશ મેળવનારા લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.