મહેસાણા: છેલ્લા ગણા સમયથી યુવતીઓના હત્યાના ઘણાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે,તેમાં પણ ખાસ કરીને યુવતીઓ સાથે દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાના. હાલ એક આવો જ કિસ્સો મહેસાણામાં વડસ્માની ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક વલસાડ ઉમરગામની વિદ્યાર્થીનીની લાશ કોલેજની લેબોરેટરીમાંથી મળ્યાનો સામે આવ્યો છે.
મહેસાણામાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના કચ્છી ગામની 21 વર્ષની તિતિક્ષા પટેલ નામની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને પ્રાથમિક તારણમાં વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું જણાયું પણ ઘટનાના બે દિવસ પછી સામે આવ્યું કે યુવતીએ આપઘાત નહોતો કર્યો પણ તેની હત્યા કરવામાં આવી હતી.
એવું જાણવા મળ્યું છે કે ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.

