આહવા: ગુજરાત- મહારાષ્ટ્રની સરહદે આવેલા ગુજરાતના છેક છેવાડેના ડાંગ જિલ્લાની ઇતિહાસમાં આલેખાયેલી ગુજરાત જોડાણની વાતો ગુજરાત સ્થાપના દિવસ એ પ્રસ્તુત છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના વિભાજનની ઐતિહાસિક તવારીખ આલેખાઇ રહી હતી.

તે વખતે દ્વિભાષી મુંબઇ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગ પ્રદેશ માટે પણ, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ખેંચતાણ શરૂ થઇ. તે વખતે એટલે કે  ઇ.સ.1957-58માં ડાંગ જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના થઇ. લોકલ બોર્ડની ઐતિહાસિક ચૂંટણીના પરિણામ ઉપર એ નિર્ભર કરતુ હતું કે ડાંગ પ્રદેશ મહારાષ્ટ્રમાં રહેશે, કે ગુજરાતમાં જશે. કશમકશ વચ્ચે ગુજરાતની પેનલ અને મહારાષ્ટ્રની પેનલ વચ્ચે લોકલ બોર્ડની 30 બેઠકોની ચૂંટણી યોજાઇ. જે પૈકી 26 બેઠકો ગુજરાતની પેનલને મળી. એ પછી રચાયેલા લોકલ બોર્ડમા નવા પ્રમુખ તરીકે શ્રી છોટુભાઇ નાયકના સાંન્નિધ્યમાં, ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાશે તેવો ઠરાવ થયો. આ ઠરાવના વિરોધમાં ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો, કે જેઓ ડાંગ પ્રદેશ મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા, તેમણે સભા ત્યાગ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ગુજરાત પેનલમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી દસ કાર્યકરો ગુજરાતના હતા, અને સોળ કાર્યકરો સ્થાનિક આદિવાસી હતા. આ આદિવાસી કાર્યકરોને પલટાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ સોળેસોળ કાર્યકરોએ જરા પણ ડગ્યા વિના, ગુજરાત સાથે જોડાવાના તેમના ઇરાદાને નિભાવ્યો. આ ખટપટ ઇ.સ.1960 સુધી ચાલી. દરમિયાન ડાંગના કાર્યકરોએ રાષ્ટ્રીય આગેવાન શ્રી જવાહરલાલ નહેરૂને મળી ડાંગની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા. પંડિતજી સમજ્યા. ત્યાર બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુ સાથે પણ મુલાકાત ગોઠવાઇ. આખરે ડાંગ ગુજરાતમા જોડાય એવુ નક્કી થયું, અને સને 1960ની 1લી મે નાં દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતા ડાંગ પ્રદેશ ગુજરાત સાથે જોડાયો.

બે રાજ્યોના વિભાજન બાદ રાજ્યોના સીમાંકનની અટપટી કાર્યવાહી આરંભાઈ. ગિરિમથક સાપુતારાના એક ડુંગર ઉપર, બન્ને રાજ્યોના ગવર્નર અને તેમના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત, બેઠકોનો દૌર શરૂ થયો. સીમાંકન માટે સમજૂતિ સધાઈ. આ મહાનુભાવો જ્યાં મળ્યા હતા, ત્યાંથી જ સીમા રેખા દોરવામાં આવી. ઉત્તર-પશ્ચિમ તરફ ગુજરાત, અને પૂર્વ-દક્ષિણ તરફ મહારાષ્ટ્રની હદ નક્કી કરાઈ. આ સ્થળ એટલે આજે આપણે જેને સાપુતારા ખાતે ગવર્નર હિલ તરીકે ઓળખીએ છીએ તે સ્થળ. આ સ્થળેથી આપણે દક્ષિણે જે ખીણ પ્રદેશ જોઈએ છે તે મહારાષ્ટ્ર રાજ્ય. વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લાની 60 ટકા સરહદ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી છે. ઉત્તર-પૂર્વીય સરહદે મહારાષ્ટ્રનું નવાપુર, ત્યાંથી શરૂ કરીને દક્ષિણ-પશ્વિમ તરફ આવતા પીપલનેર, સાલ્હેર, મુલહેર, કલવણ, હાથગઢ (સાપુતારા), સુરગાણા, અને ઉમરથાણા પ્રદેશની સીમાઓ, ડાંગ અને ગુજરાત સાથે જોડાયેલી છે. સને 1960 અગાઉ જ્યારે ઇ.સ. 1947માં ભારતને આઝાદી મળી ત્યારે, ભારત દેશ અનેક નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ સમયે પશ્ચિમ ભારતમાં બૃહદ મુંબઇ રાજ્ય નામનું અલગ રાજ્ય અસ્તિત્વમાં હતું. જેની રાજધાની મુંબઈ હતી. આઝાદી પહેલા લગભગ 175 વર્ષ સુધી અહીં ગાયકવાડનું શાસન હતું.

ઓગણીસમી સદીના આરંભે ઈસ્ટ ઇન્ડીયા કંપનીએ મરાઠાઓને હરાવ્યા, અને બ્રિટીશ હુકુમતે પોતાના સીધા અંકુશ હેઠળના પશ્ચિમ ભારતના પ્રદેશને વહીવટી અનુકુળતા માટે પાંચ પ્રદેશમાં (એજન્સી) વહેંચી દીધો હતો, અને તેમનો વહીવટ મુંબઇના ગવર્નરને સોંપવામાં આવ્યો હતો. આ પાંચ એજન્સીઓ એટલે (1) રેવા કાંઠા એજન્સી, (2) મહી કાંઠા એજન્સી, (3) બનાસકાંઠા તથા પાલનપુર એજન્સી, (4) સાબરકાંઠા એજન્સી, અને (5) વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સી. વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આ રાજ્ય ઘણુ અલગ હતું. જેનું ક્ષેત્રફળ 26,400 ચોરસ કિલોમીટર હતું. બૃહદ મુંબઇની શરૂઆત માઉન્ટ આબુ થી શરૂ કરીને દક્ષિણમા છેક મૈસૂરમાં તેનો અંત થતો હતો. દેખીતી રીતે તેનું આયોજન વ્યવસ્થિત રીતે ચાલતુ ન હતું.

આઝાદી મળ્યા બાદ ઘણા વર્ષો પછી પણ આજ પરિસ્થિતિ રહી. અંતે સપ્ટેમ્બર 30, 1955 ના દિવસે સરકારે વિસ્તાર, ભાષા, ભૂગોળ અને સંસ્કૃતિના પાસાં તપાસીને ભાષાવાર રચી શકાતા દસેક રાજ્યો સુચવ્યા. પણ તેમાં ગુજરાત કે મહારાષ્ટ્ર જેવા કોઇ રાજ્યોનો ઉલ્લેખ ન હતો. જેના કારણે ગુજરાતી અને મરાઠી લોકોમાં અસંતોષ જાગ્યો, અને અનેક આંદોલનો બાદ છેવટે 1 મે,1960ના રોજ બૃહદ મુંબઇનું વિલીનીકરણ કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રાજ્ય બન્યું. સને 1956 માં બૃહદ મુંબઈ રાજ્યની વસતિ 4,82,64,622 હતી. ગુજરાતી ભાષી રાજ્યની માંગ સાથે મહાગુજરાત આંદોલન અને મરાઠી ભાષી રાજ્યની માંગ સાથે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન ચલાવાયા. મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે 1956માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.