ચીખલી: ગતરોજ ચીખલના રાનકૂવામાં આવેલી પોલીસ ચોકીમાં વાહન અને અપૂરતા સ્ટાફના અભાવે આ વિસ્તારના 17 ગામમાં કાયદો-વ્યવસ્થાના અભાવની સ્થિતિ લઈને આ વિસ્તારના સરપંચો દ્વારા રેન્જ IGને લેખિતમાં રજૂઆત કરી છે.
રાનકૂવા પોલીસ ચોકીના કાર્ય વિસ્તારમાં રાનકૂવા, નોગામા, સાદડવેલ, દોણજા, ટાંકલ, વાંઝણા, કુકેરી, હરણગામ, સુરખાઈ, રાનવેરીખુર્દ, કાંગવઈ, ચિતાલી, સરૈયા, જોગવાડ અને ખરોલી જેવા ગામોની કુલ 60 હજારથી વધુ લોકની વસ્તી આવેલી છે અને ચીખલી-વાંસદા -સાપુતારા અને ખારેલ-રાનકૂવા- ધરમપુર એમ બે જેટલા રાજ્ય ધોરી માર્ગ પણ છે સાથે જ બીલીમોરા-વધઇ નેરોગેજ રેલવે લાઇન પણ પસાર થાય છે ત્યારે આ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાનો મદાર રાનકૂવા પોલીસ ચોકી પર નિર્ભર છે. આટલું બધું રાનકૂવા ચોકીમાં વાહનોની અભાવના કારણે વ્યવસ્થા જળવાઈ શકાતી નથી.
આકસ્મિક સંજોગોમાં પોલીસ પોહચી શકતી નથી અને પોલીસ ચોકીમાં પોલીસ સ્ટાફ પણ અપૂરતો છે. એવું જાણવા મળ્યું છે કે રાનકૂવા ચોકીમાં લેન્ડલાઈન પણ બંધ છે ત્યારે ફરિયાદીએ જાતે જ ફરિયાદ કરવા જવું પડતું હોય છે આજના આધુનિક જમાનામાં આ પ્રકારની બાબત સામે આવતાં સ્થાનિક લોકો કહી રહ્યા છે રાનકૂવા પોલીસ ચોકીમાં ન પુરતો સ્ટાફ, ન પૂરતા વાહનો.. લોકોમાં પ્રશ્ન.. કાયદો-વ્યવસ્થા શું જળવાશે ખરી ?

