વલસાડ : ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે માવઠાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું હોવાનો મુદ્દો ઉઠાવી જણાવ્યું કે, વલસાડ જિલ્લાને હાફૂસ કેરીના ઝોન તરીકે ઓળખાય છે. પરંતુ માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા જે વળતર ચૂકવાય છે તે ખૂબ જ ઓછુ હોવાથી ખેડૂતોને વધુ વળતર મળે એ સમગ્ર ખેડૂતોની માંગ છે. જેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી રાઘવજી પટેલે કહ્યું કે, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ઓછો પડ્યો છે. નિયમ મુજબ કેરીના પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોવુ જોઈએ.
DECISION NEWS ને માહિતી મળેલ મુજબ કમોસમી વરસાદ સિવાય પણ કેરીના પાકને જુદા જુદા કારણસર નુકસાન થાય છે. જો કે આ મામલે કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું કે, વરસાદ માપવાનું મશીન જે જગ્યા પર મુક્યુ હોય ત્યાં ઘણીવાર એવુ બને કે, એ વિસ્તાર કે તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોય પણ બાકીના તાલુકામાં વધુ વરસાદ પડ્યો હોય તો ત્યાંના ખેડૂતોને વધુ નુકસાન થયું હોય જેથી વરસાદના પ્રમાણને ધ્યાનમાં લેવાથી વિસંગતતા ઉભી થાય છે. જેના જવાબમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સર્વેમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે.
વધુમાં ધારાસભ્ય ભરતભાઈએ દાંતી, કકવાડી અને કોસંબામાં દરિયાઈ ધોવાણ થઈ રહ્યું હોવાની રજૂઆત કરતા મંત્રીશ્રીએ દાતી ગામના સ્થળ નિરિક્ષણની તૈયારી બતાવી હતી. બાદમાં ધારાસભ્ય ભરતભાઈએ વલસાડ જિલ્લાના મોટેભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ જિલ્લાના પશુપાલન દવાખાનામાં તબીબોની ઘટ હોવાનું જણાવ્યું હતું. જે બાબતે મંત્રીશ્રીએ ખાલી જગ્યાને બેલેન્સ કરીશુ અને ૧૦ ગામ દીઠ એક ફરતા દવાખાનાથી તમામ ગામ કવર કરવાનો પ્રયાસ કરાયો છે.

