વલસાડ: ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળની જાહેરાત ક્રમાંક: 12-2021-22 જુનિયર ક્લાર્ક,વહીવટ હિસાબ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 09-04-2023 ના રોજ બપોરે 12:30 કલાક થી 01:30 કલાક દરમ્યાન વલસાડ જિલ્લાના 74 પરીક્ષા કેન્દ્રોના 835 વર્ગખંડોમાં યોજાનાર છે. જેમાં 25050 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે. જે માટે હેલ્પલાઈન નં. 02632-299440 પર સંર્પક કરી શકાશે.

આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી-કર્મચારીઓને આજે તા.6 એપ્રિલના રોજ તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેની વિગતો જોઈએ તો, આ પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડ પ્રતિનિધિ 74, કેન્દ્ર નિયામક 74, વર્ગખંડ નિરિક્ષક 835, સુપરવાઈઝર 267 અને સીસીટીવી ઓબ્ઝર્વર 74ની નિમણૂંક કરવામાં આવી છે.

ઉપરાંત જિલ્લામાં પાંચ તાલુકા અને એક જિલ્લા ઓબ્ઝર્વર તરીકે ડેપ્યુટી કલેકટર કક્ષાના 6 અધિકારીઓ ફરજ બજાવશે. ઉપરાંત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓની 13 ફલાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો લાવવા અને લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ગ – 1 ના બે અધિકારી અને એક નાયબ પોલીસ અધિક્ષક અથવા પોલીસ ઈન્સ્પેક્ટર અને હથિયારધારી એસઆરપીની ટીમને કામગીરી બજાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લાના દરેક કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પરીક્ષાના સમયાનુસાર કેન્દ્રના મેઈન ગેટ પર મહિલા અને પુરૂષ કોન્સ્ટેબલો દ્વારા ફ્રિસ્કીંગ (ચકાસણી) કરવામાં આવશે. જે અનુસાર સવારે 11 વાગ્યાથી પ્રવેશ શરૂ કરીને 12 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરી લેવાનો રહેશે. તે જ પ્રમાણે પરીક્ષાર્થીએ તેમને ફાળવેલા વર્ગરૂમમાં સવારે 11_30 વાગ્યાથી પ્રવેશ લઈ 12-30 સુધીમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં.