આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા, પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ)ના વર્ષ 2022-23ના લાભાર્થીઓને વર્ક ઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

દંડક વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગરીબ લાભાર્થીઓ માટે સરકાર સતત ચિંતીત છે, તેમ જણાવી આવાસ યોજના અંતર્ગત મળેલ રકમનો યોગ્ય દિશામા ઉપયોગ થાય તે માટે તમામ લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000 ની સહાય મળવા પાત્ર છે. તે ઉંપરાત મનરેગા યોજના દ્વારા શ્રમદાન પેટે રૂ. 23,040, બાથરૂમ બાંધકામ સહાય યોજના હેઠળ રૂ.5000, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના બાંધકામ પેટે રૂ.12,000 તેમજ, જો સમય મર્યાદામા 6 મહિનાની અંદર લાભાર્થી આવાસ પુર્ણ કરે તો પ્રોત્સાહન રૂપે, મુખ્યમંત્રી આવાસ પ્રોત્સાહક યોજના અંતર્ગત બીજા રૂ.20,000ની સહાય મળવા પાત્ર થાય છે. આમ લાભાર્થીને કુલ અંકદરે રૂ.1,80,040 ની સહાય મળવા પાત્ર છે. ત્યારે આવાસ યોજના દ્વારા સરકારશ્રીની સહકારની ભાવના સમજી, આ યોજનાનો સંપુર્ણ લાભ લેવાનો હું લોકોને અનુરોધ કરું છું.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ષ 2023-24ના આહવા તાલુકાના 2051 લાભાર્થીઓના લક્ષ્યાંકમાંથી 2031 લાભાર્થીઓને પ્રથમ હપ્તાની રૂ.30,000 ની રાશી જમા કરી દેવામા આવી છે. જ્યારે સુબીર તાલુકાના 964 લાભાર્થીઓ માંથી 927 લાભાર્થીઓ, તેમજ વધઇ તાલુકાના કુલ 894 લાભાર્થીઓમાંથી 872 લાભાર્થીઓનો પ્રથમ હપ્તો જમા કરી દેવામા આવ્યો છે.

આ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મધુભાઇ, શ્રીમતી નિલમબેન ચોધરી, શ્રીમતી મયનાબેન બાગુલ, આહવા તાલુકા સદસ્ય શ્રી સુરેશભાઇ, શ્રી દિપકભાઇ, આહવા ગ્રામ પંચાયત સરપંચ શ્રી હરિચંદભાઇ તેમજ મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.