ભરૂચ: ભાજપના આક્રમક નેતા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા નિવેદનોથી લોકચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલમાં તેમણે નિવેદન આપ્યું છે કે બધા જ મોટા મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો ઉઘરાવે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મનસુખ વસાવાને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં મોટા મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો લેતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતને સમર્થન આપતા મીડિયા સામે વસાવા સાહેબે કહ્યું કે પત્રમાં કરાયેલા તમામ આક્ષેપો સાચા છે, કોઇ પક્ષપાત નથી કરતો પણ પત્રમાં અનેક નેતાઓના નામ પણ છે. આ પત્ર અંગે કટકીબાજ નેતાઓ સામે મેં આગળ રજૂઆત કરી છે. વિકાસના કામોમાં હપ્તાઓ ચલાવી લેવામાં આવશે નહિ.
મનસુખ વસાવાએ કહ્યું કે પત્રનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે, જે નકલી પણ હોઇ શકે એટલે કંઇ કહી શકાય નહીં. પણ મને મળેલો આ પત્ર લોકમાં ચર્ચાયો છે અને ઉચ્ચ સ્થાન સુધી આ પત્ર લખાયો છે. નર્મદા જિલ્લામાં કોન્ટ્રાક્ટરો પાસે અધિકારીઓને ધાક ધમકી આપી અને ખંડણી ઉઘરાવવામાં આવે છે. વિકાસના કામોમાં તપાસ કરાવવાના કામો, તપાસ કર્યા બાદ તોડપાણી અને તોડપાણી બાદ ફરી તપાસ માંગવાની.. આના કારણે જિલ્લાના અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરો બધા ત્રાસી ગયા છે. બધા જ લોકોને હપ્તા આપે તો વિકાસના કામો પર માઠી અસર પડે છે, એવું પત્રમાં લખ્યું છે, જે વાત સાચી છે.