આહવા : 27 અ ધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પિયુષ પટેલ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત રેંજ વિસ્તારમા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને, તથા મિલ્કત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના મળતા, ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટિલ દ્વારા આહવા ખાતે બાઈક ચોરીના અનડીટેક્ટ ગુનાની તપાસ કામગીરી હાથ ધરવામા આવી હતી. દરમિયાન 26 માર્ચના રોજ ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારમા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતા, બાઈક ચોરીના ગુનામા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ ડાંગ પોલીસ દ્વારા કલમવિહિર ગામ પાસે આહવાથી ચીંચલી જતા રોડ ઉપર, એક ઈસમ મોટર સાઇકલ ઉપર આવતા ગાડી અટકાવી મોટર સાઇકલ નંબર DN 09 : K 5911ની તપાસ કરતા સદર ગાડી, સેલવાસ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 135/2023 ઈ.પી.ઓ કલમ 379મા દાખલ થયેલ હોઈ, સદર ઈસમ અસ્પાક સેયદ વાની ઉ. વ.26, નાંદનપેડા ગામના તેમના ઓળખીતા, મકસુદભાઈ શેખ રહે. ધરમપુરનાઓ સાથે સદર ગાડી ચોરી કરેલ હોવાનુ જણાતા આરોપી અસ્પાકભાઈ સેયદભાઈ વાની વિરુદ્ધ CRPC કલમ -41(1)(ડી) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવી છે.
પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા વોન્ટેડ આરોપી મકસુદ શેખ દ્વારા તેમની ચોરી કરેલી બીજી ગાડીઓ પણ આપી હતી, જે અસ્પાક દ્વારા ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારમા વેચી દીધેલ છે. જે તમામ જગ્યાઓ પર તપાસ કરી ચોરી કરીને વેચેલી 8 બાઇક, જેમા 4 સ્પેલેન્ડર ગાડી, 2 મોપેડ, 1 હોન્ડા સાઈન, 1 સી.ડી.ડિલક્સ મળી કુલ અંદાજે રૂપિયા.1,15,000 જેટલાનો મુદામાલ કબ્જે કરવામા ડાંગ પોલીસ સફળ રહી હતી.
પોલીસની આ કામગીરીમા પી. એસ. આઈ શ્રી જે.એસ.વળવી, એ.એસ.આઈ. શ્રી મનહરસિંહ બટુકસિંહ, શ્રી રણજિત ઉષ્યાભાઈ, શ્રી રામદાસભાઈ લખુભાઈ, હોમગાર્ડ શ્રી ગણેશભાઈ, શ્રી તેજસભાઈ હાજર રહ્યા હતા.

