ડેડીયાપાડા: સેલંબા હાઈસ્કુલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ – 10 ની વિદ્યાર્થીનીની તબિયત લથડતા સ્થળ સંચાલકે વિદ્યાર્થીની એ ગ્લુકોઝના ચાલુ બોટલ ચઢાવી જરૂરી સારવાર કરાવી અંગ્રેજી વિષયની પરીક્ષા અપાવી હોવાની ઘટના બહાર આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ- 2023માં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે તા.25 માર્ચ ના રોજ પરીક્ષા દરમિયાન સેલંબા હાઈસ્કુલના કેન્દ્ર ખાતે ધોરણ-10 ના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની ખેરનાર સ્વાતિબેન નરેન્દ્રભાઈની અચાનક તબિયત બગડતા ચક્કર સાથે અચાનક બેહોશ થઈ ગઈ હતી.

જેથી સ્થળ સંચાલક દ્વારા મેડિકલની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીનીએ આ સમય દરમિયાન પણ ચાલુ બોટલે અંગ્રેજી જેવા અઘરા વિષયની પરીક્ષા આપી હતી .