વલસાડ: જો વ્યક્તિનાં શરીરમાં રક્ત કણોનું પ્રમાણ ઘટી ગયું હોય અથવા તો કોઇ કણો વધી કે ઘટી ગયા હોય તો દર્દીને સમયસર સારવાર મળવાથી ફરી તંદુરસ્ત જીવન જીવી શકે છે. જેથી દર્દીનાં લોહીમાં રક્ત કણ, શ્વેત કણ અને ત્રાકકણનું પ્રમાણ જાણી શકાય તે માટે વલસાડ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, વાપી સહિત કુલ ૧૨ સ્થળે ૧૨ સેલ કાઉન્ટર મશીન કાર્યરત કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પટેલે વલસાડ તાલુકાના ધરાસણા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકવામાં આવેલા સેલ કાઉન્ટર મશીનનું નિરીક્ષણ કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોતાની તપાસ કરાવી જાહેર જનતા માટે ખુલ્લુ મૂકયું હતું. વલસાડ જિલ્લામાં હાલ ૧૨ સેલ કાઉન્ટર મશીનો વલસાડ વિભાગની દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આપવામાં આવ્યા છે. જે તમામ સેલ કાઉન્ટર મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે,
DGVCLના CSR ફંડની ચાલુ નાંણાકિય વર્ષની ગ્રાંન્ટમાંથી એક સેલ કાઉન્ટર મશીનની કિંમત રૂ. ૩,૦૪,૯૩૫ લેખે ૧૨ સેલ કાઉન્ટર મશીનોની કુલ કિંમત રૂ. ૩૬,૫૯,૨૧૫ની ખરીદી કરી સરકારી દવાખાનાઓમાં દર્દીઓની તપાસ માટે લગાવી કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની અને વલસાડ DGVCL શાખાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.