રાજપીપળા: આદિવાસીઓના મુખ્ય તેહવાર હોળી પરંપરાગત આદિવાસી વસ્ત્રો પેહરી “ઘેરૈયા” બનવાની આદિવાસીઓની અનોખી પરંપરા છે. ત્યારે ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પણ હોળીના તહેવારમાં ઘેરૈયા બની આદિવાસી વસ્ત્રો પેહરી ગામે ગામ નાચ્યા હતા.
સ્થાનિક આદિવાસી યુવાનોનું કહેવું છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા છે જેણે “ઘેરૈયા” બની આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે. એક Decision News સાથે વાત કરતાં યુવાનોએ જણાવ્યું કે ઘેરૈયા બનતા પેહલા હોળીના તહેવાર અગાઉ ઘર સંસારનો ત્યાગ કરવો પડે છે, ઘરથી દુર રહી રોજ ઉપવાસ રાખી જંગલમાં રેહવું પડે છે. તેઓ પગમાં ચપ્પલ નથી પહેરતા, પલંગ પર પણ બેસતા નથી કે સ્ત્રીના હાથનું જમતા પણ નથી. ચૈતર વસાવા પણ એ પરંપરા મુજબ હોળીના 5- 6 દિવસ પેહલા ઘર સંસારનો ત્યાગ કરી જંગલ વિસ્તારમા અન્ય ઘેરૈયાઓ સાથે રહી ચુસ્ત પાલની કરી હતી. હોળીના દિવસે ચૈતર વસાવાએ પુજા વિધિ કરી ઘેરૈયાઓ સાથે એક ઝુંડમા આવી આખી રાત ઢોલ નગારા વગાડી આદિવાસી નાચગાન કરી આસપાસના ગામોમા ઘેર (પૈસા) પણ માંગી હતી.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસીઓએ પૂર્વજોની સભ્યતા અને સંસ્કૃતિને જાળવવાનો અમારો પ્રયાસ છે. આદિવાસી રીત, રિવાજ, રૂઢીપ્રથા અમારી આદિમ સંસ્કૃતિ અમારી જન્મ જાત ઓળખ છે. અમે અમારી સંસ્કૃતિ ભુલીશું નહિ કે કોઈને ભુલવા પણ નહિ દઈએ.