સપ્તશૃંગી: ગુજરાત, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને મહારાષ્ટ્રનાં સમગ્ર કુકણા સમાજના પ્રતિનિધિઓની એક બેઠક રવિવારે વની ખાતે યોજાઈ હતી. જેમાં આદિવાસી સમાજના કુકણા સમુદાયોના જે હકકો અને અધિકારો છીનવાઈ રહ્યા છે તેના વિષે વાત કરવામાં આવી હતી.
ઉલ્લેખીય છે કે આદિવાસી સમાજ અત્યારે અનેક સંકટોથી ઘેરાયેલો છે. એમણે પોતાની ઓળખ ટકાવી રાખવાની મથામણ છે. બંધારણથી મળેલ હકકો અને અધિકારો માટે પણ લડત કરવી પડે છે. પેસા કાયદો અને પાંચમી અનુસૂચિનો સંપૂર્ણ અમલ થયો નથી રિવર લિંક, ભારતામાલા, ડેમ જેવા પ્રોજેક્ટ માટે આદિવાસીઓ જમીન ગુમાવે છે. આદિવાસીઓના નામે બોગસ આદિવાસીઓને સમારંભ કરી સર્ટિફિકેટ અપાય છે અને ખરા આદિવાસીઓ પાસેથી અનેક પુરાવાઓ માંગવા આવે છે. આવા પ્રશ્નો માટે સમાજ સંગઠિત થાય તે જરૂરી છે. તે માટે એક મહાસંમેલન ભરવાનું વિચારણામાં હતું. જે સંદર્ભમાં એક સપ્તશૃંગી ખાતે બેઠકનું આયોજન થયું હતું.
આ મિટીંગમાં કુકણા સમાજ સુરત, વાંસદા, નવસારી, વલસાડ, ચીખલી ખેરગામ, ધરમપુર કપરાડા, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્રના મુંબઇ, પાલઘર, થાણે, નાશિક, નંદુરબાર, અને ધુલેના કુકણા સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંમેલન માટે એક કોર કમિટીની રચના કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. અશોક બાગુલ્ અને કિશન ઠાકરેએ કર્યું હતું.

