વિચારમંચ: 14મી ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી અપીલ કરવામાં આવી હતી કે વેલેન્ટાઈન્સ ડેની સાથે સાથે કાઉ હગ ડે સેલિબ્રેટ કરવામાં આવે.. પણ આ અપીલનો ભારે વિરોધ થવાના કારણે આખરે એ નિર્ણય પાછો ખેંચાયો છે.

એનિમલ વેલફેર બોર્ડે વેલેન્ટાઈન્સ ડેના દિવસે કાઉ હગ ડે મનાવવાની અપીલ કરી હતી. એનિમલ વેલફેર બોર્ડે એ માટે તર્ક આપતા કહ્યું હતું કે ભારતમાં ગાય પવિત્ર ગણાય છે અને એ ભારતીય સંસ્કૃતિમાં કામધેનુ છે. તેથી એ દિવસે ગાયને ગળે લગાડવી જોઈએ અને એ રીતે ગાય પ્રત્યે સન્માન વ્યક્ત કરવું જોઈએ. સરકારની આ અપીલનો ભારે વિરોધ થયો મોટાભાગની રાજકીય પાર્ટીઓએ સરકારની આ અપીલને હાસ્યાસ્પદ ગણાવી હતી.

શિવસેના, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, મકપા, આપ વગેરે પાર્ટીઓએ સરકારના આ નિર્ણયને દેખાડાની દેશભક્તિ ગણાવી હતી. કોંગ્રેસના સાંસદ રજની પાટિલે કહ્યું હતું કે હું ખેડૂત પરિવારમાંથી આવું છું ને દરરોજ ગાયને ગળે લગાવીને પ્રેમ બતાવું છે. એ એક દિવસ પૂરતી સીમિત બાબત ન હોઈ શકે. સરકાર બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દેથી ધ્યાન હટાવવા માટે આવા ગતકડાં કરે છે એવો આરોપ વિપક્ષોએ લગાવ્યો હતો. વિરોધના વંટોળ પછી આખરે એનિમલ વેલફેર બોર્ડે એક નોટિફિકેશ જારી કરીને કાઉ હગ ડે મનાવવાની અપીલ પાછી ખેંચી હતી.