વલસાડ: વલસાડ જિલ્લામાં 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને પારડીના પલસાણા અને વલસાડના ઘડોઇમાં સૌથી મોટો મેળો યોજાશે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે. બંને સ્થળોએ સ્ટોલ નાખી મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

Decision News ને મળતી માહિતી મુજબ પારડી તાલુકાના પલસાણા ગામે મહાશિવરાત્રીના દિવસે ભરાતો વલસાડ જિલ્લાનો પ્રખ્યાત અને પ્રાચીન ત્રિ-દિવસીય ગંગાજી મેળોમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો રામેશ્વર મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. જેમાં 1.50 લાખથી વધુ લોકો ઉમટી પડશે. ગંગાજી યાત્રા તરીકે જાણીતા રામેશ્વર મહાદેવ મંદિર પરિસર જે વિશાળ સંખ્યામાં હિન્દુઓના પવિત્ર તીર્થધામ તરીકે જાણીતું છે. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ અને મંદિરના પૂજારી રમેશગીરી ગોસ્વામી દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અહીંના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈ અને એમની ટીમ દ્વારા યાત્રાને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં ત્રણ દિવસ ચાલતો ગંગાજી મેળામાં ચકડોળ, ખાણીપીણી, રમકડાં, ઘરવખરી ચીજવસ્તુ, બુટ-ચપ્પલ, કપડાના વિવિધ સ્ટોલો લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવી જ રીતે વલસાડ જીલ્લ્લાના ઘડોઇમાં પણ મહાશિવરાત્રીનો મેળો પણ ભરાય છે. અહી પણ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.