ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ એવા ગારદા ગામમાં કેટલાક સમયથી દીપડાએ આતંક મચાવ્યો હોવાની ફરિયાદો ગ્રામજનોમાં ઉઠવા પામી છે, ત્યારે ફરીને એક વાર દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યાની ઘટના સામે આવી છે.
Decision News ને પ્રાપ્ત માહિતી અનુસાર ગારદા ગામના પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાની સાડા ચાર વર્ષની વાછરડી ત્રણ દિવસ પહેલા જ એમના મિત્ર જીવરાજભાઈ રાશલભાઈ વસાવાને ભાગે આપી હતી, ત્યારે તા.૦૨, ફેબ્રુઆરી, ૨૦૨૩ નાં રોજ અંદાજિત સવારે ૧:૩૦ વાગ્યાની સુમારે ઘરની બહાર વાડામાં બાંધેલા પશુઓનો અવાજ આવતા જીવરાજભાઈ રાશલભાઈ વસાવાએ બેટરી મારતાં જોયું તો એક દીપડા એ વાછરડીનું મારણ કર્યું હતું, અને જેવી દીપડા પર બેટરી પડી દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને દીપડાનાં આતંક થી ગારદા ગામના પશુપાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
આ ઘટના બાદ પશુપાલક મુકેશભાઈ ઝીણાભાઈ વસાવાએ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા સવારે વન વિભાગનો કાફલો, પશુ ડોકટરો સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.











