રાજસ્થાન પોલીસે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC) શિક્ષક ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 55 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આ 55માંથી મહિલાઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી છે, જ્યારે પુરુષોને રવિવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયા બાદ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના માસ્ટર માઈન્ડની ઓળખ જાલોર જિલ્લાની એક સરકારી શાળામાં તૈનાત મુખ્ય શિક્ષક સુરેશ વિશ્નોઈ તરીકે થઈ છે. ઉદયપુરના SP વિકાસ શર્માએ જણાવ્યું હતું કે તેમને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પેપર લીક થવાની ફરિયાદો મળી હતી અને ઉદયપુર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી હતી. પેપર લીકના કથિત માસ્ટર માઈન્ડની અન્યો સાથે ધરપકડ કરવામાં આવી છે. વિકાસ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટોળકીએ ‘સેકન્ડ ગ્રેડ ટીચર સ્પર્ધાત્મક પરીક્ષા 2022’ માટેના પ્રશ્નપત્રો આપવા માટે ઉમેદવારો પાસેથી ગેરકાયદેસર રીતે 10 લાખ રૂપિયા લીધા હતા. તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મહત્વનું છે કે, રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSC)એ જનરલ નોલેજ માટેની સેકન્ડ ગ્રેડ ટીચર સ્પર્ધાત્મક પરીક્ષા 2022 રદ્દ કરી દીધી છે. પેપર લીક થયા બાદ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને આ નિર્ણય લીધો છે. હવે આ પરીક્ષા ફરીથી 29મી જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે.

