કપરાડા : સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી કપરાડાના ખેડૂત દરેક ઋતુમાં પાકો મેળવી પગભર થયા છે પ્રાકૃતિક ખેતીથી સ્થિર આવક મળતાં પરિવારની પરિસ્થિતીમાં સુધારો થયો છે ગાયના નિભાવ ખર્ચ માટે દર છ મહિને રૂ.૫૪૦૦ની સહાય રાજ્ય સરકારનું આવકારદાયક પગલું

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ સાંપ્રત સમયમાં ખેતીમાં રાસાયણિક પદાર્થોનો ઉપયોગ વધ્યો હોવાથી પ્રકૃત્તિની જાળવણી કરવી અત્યંત જરૂરી બની છે ત્યારે ખાસ કરીને ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પ્રકૃત્તિને મહદઅંશે નુકશાન પહોંચાડે છે. પરંતુ આ સમયમાં પણ રાજ્યનો આદિવાસી વિસ્તાર હજી પ્રકૃત્તિ સાથે જોડાયેલો છે અને પ્રકૃત્તિની જાળવણી માટે કટિબદ્ધ છે. તેથી જ રાજ્ય સરકાર પણ ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી કરવા આર્થિક રીતે અનેક સહાય આપી પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી કરવા માટે દર છ મહિને રૂ.૫૪૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એકદમ અંતરિયાળ ગામ સિંગારટાટીના રહેવાસી ભરતભાઇ દલુભાઈ ગોભલે અને એમનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પ્રકૃત્તિની સાચા અર્થમાં જાળવણી કરી રહ્યા છે અને સાથે સાથે સારી આવક પણ મેળવી રહ્યા છે. વલસાડથી લગભગ ૯૦ કીલોમીટર દૂર આવેલા સિંગારટાટીના આ ખેડૂતને સરકાર તરફથી દર છ મહિને રૂ. ૫૪૦૦/-ની ગાયના નિભાવ ખર્ચ પેટે સહાય મળે છે જેથી તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ યોજનાનો લાભ લઈ આ ખેડૂત હવે દરેક સિઝનમાં વિવિધ પાકોની ખેતી કરે છે.
ભરતભાઈએ પોતે ૧૨ સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે તેમજ તેઓ B.Sc. નર્સીંગનો અભ્યાસ કરવા માટે હૈદરાબાદ પ્ણ ગયા હતા પરંતુ પારિવારિક કારણોસર તેમણે અભ્યાસ અધ્વચ્ચે જ છોડવો પડ્યો હતો. ભરતભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા સરકારની સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજના વિશે જાણ થતાં અરજી કરી એનો લાભ મેળવ્યો હતો. તેમણે પહેલાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, પ્રાકૃતિક પદાર્થોનો ખેતીમાં ઉપયોગ વગેરેની ટ્રેનિંગ મેળવી હતી. ત્યારબાદ તેઓએ પોતાની ખેતીમાં ગાયના મળ-મૂત્રનો ખાતર અને જંતુનાશક તરીકે ઉપયોગ કરી નાના પાયે ખેતીમાં વિવિધ પાકો લેવાની શરૂઆત કરી હતી. પહેલા ડાંગરની ખેતીમાં જ આ પ્રયોગ કર્યો હતો જેમાં સફળતા મળતા બધી જ ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરવાનો નિર્ણય કર્યો હતો.
ભરતભાઈ બે એકર જમીન ધરાવે છે જેમાં પહેલા માત્ર ચોમાસામાં ડાંગરની અને શિયળામાં અમુક શાકભાજીની ખેતી કરવા માટે જ સક્ષમ હતા. તેમાં પણ એમણે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો હતો. તેમના જણાવ્યા મુજબ આ પદાર્થોના ઉપયોગને કારણે એમની જમીનની ફળદ્રુપતા ઘટતી જતી હતી. અને ખેતીમાં પાકોને નુકશાન થતા જરૂરિયાત મુજબના ભાવો પણ મળતા નહોતા. સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. આ સમયે તેઓને ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે મળતી સહાયની જાણ થઈ હતી. તેઓ પાસે પોતાની ગાય છે તેથી એમને અરજી કરતા સહાય મળવાની શરૂઆત થઈ હતી.
ભરતભાઈ જણાવે છે કે, હવે તેઓ રીંગણ, ટામેટાં, વાલ, શક્કરિયા અને ડાંગરની ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના વપરાશ વિના ગાયના છાણિયા ખાતર અને મૂત્રમાંથી બનાવેલા જીવામૃત નો જંતુનાશક તરીકે ઉપયોગ દ્વારા કરી રહ્યા છે. તેમજ નવી પદ્ધતિઓનો ઉપયોગ પણ ખેતીમાં કરી રહ્યા છે. આ વર્ષે આ પ્રાકૃતિક પદાર્થોનો ઉપયોગ કરી રીંગણની ખેતી કરી હતી. જેમાં એક લણણીમાં ૩૫થી ૪૦ મણ રીંગણ થયા હતા. સારી ગુણવત્તા અને સ્વાસ્થ્ય માટે બિનહાનિકારક હોવાથી બજારમાં ભાવ પણ સારો મળ્યો હતો. માત્ર રીંગણની ખેતીમાં અમને રૂ. ૪૦ થી ૪૫ હજારની આવક થઈ છે. માત્ર પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધી છે, સ્વાસ્થ્યને કોઇ જ નુકશાન થતું નથી તેમજ અમને પણ સારી આવક થાય છે. ખેતીમાં હવે સ્થિર આવકને કારણે પરિવારની પરિસ્થિતીમાં પણ સુધારો થયો છે અને અમે પગભર બન્યા છીએ. હવે રોજગારી મેળવવા માટે ઘરથી દૂર જવુ પડતું નથી. અમે ગામના બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને આ ખેતી કરવા માટે સરકાર તરફથી મળતી સહાય દ્વારા ખેતી કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. સરકાર દરેક લોકોના વિકાસ માટે વિચાર કરી જરૂરિયાતમંદ લોકોને સહાય આપે છે તેથી આ સહાય આપવા બદલ સરકારનો ખૂબ આભાર માનું છું.
સરકાર તરફથી મળતી પ્રાકૃતિક ખેતી માટેની સહાય દ્વારા ભરતભાઈ જેવા રાજ્યના અનેક ખેડૂતોને પગભર થવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે.