મધ્યપ્રદેશ: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ દિવસોમાં મધ્યપ્રદેશમાં છે. ઈન્દોર નજીક મહુ પહોંચેલા રાહુલ ગાંધીનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલે જનસભાને સંબોધતા ફરી એકવાર RRS અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અન્ય કોઈપણ પાર્ટીના કાર્યકરો 3500 કિમી સુધી પણ ચાલી શકતા નથી. ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજે કેટલાક લોકો બંધારણને તોડવામાં લાગેલા છે. બંધારણે ભારતના દરેક નાગરિકને સમાન અધિકારો આપ્યા છે. રાહુલે કહ્યું હતું કે આરએસએસ અને ભાજપના લોકો આ બંધારણને નષ્ટ કરી શકે નહીં. આરએસએસ બંધારણની સત્તા ખતમ કરવા માંગે છે.
દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીને યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી દાદીને 32 ગોળી મારી દેવામાં આવી હતી, પિતાને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યા હતા. આટલી હિંસા પછી પણ દિલમાં ડર નથી અને તેથી નફરત નથી. તેમણે કહ્યું કે મારા દિલમાં આરએસએસ, મોદી, અમિત શાહ માટે કોઈ નફરત નથી. આરએસએસના લોકો, તમારો ડર દૂર કરો, તમારો ડર દેશને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાહુલે કહ્યું, જે પ્રેમ કરે છે તે ડરતા નથી અને જે ડરતા હોય છે તે પ્રેમ કરતા નથી.

