વાંસદા: દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને બધા જ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતર્યા છે ત્યારે નવસારીના વાંસદા- ચીખલી વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ગાંધી મેદાનમાં સભાને સંબોધી હતી.
ઉલ્લેખનીય છે કે વાંસદા બેઠક કોંગ્રેસ પાસે છે. હાલ વાંસદા બેઠક પર કેસરિયો લહેરાવવા ભાજપ એડીચોટીનું જોર લાગવી રહ્યું છે ત્યારે આ સભામાં આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ ને આડે હાથ લઇ ભાજપના ઉમેદવારને જીતાડવા લોકોને અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ પર શબ્દોનો હુમલો કરતા કહ્યું કે જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસના બેનર જોવા મળે છે કે ‘અમારું કામ બોલે છે’ પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષથી સત્તામાં નથી તો મારા બેટાઓ એ શું કામ કર્યું હશે, ત્યારે મને સમજાયું કે ગામ શહેરમાં જ્યાં જૂઓ ત્યાં રસ્તાની આજુબાજુ ઉગેલા બાવળીયા કોંગ્રેસે વાવ્યાં હશે બાકી કોંગ્રેસે ભાજપનો અને સરકારનો વિરોધ કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી.
આ વખતે વાંસદા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાવવા અને કોંગ્રેસ માત આપવા નાયબ મામલતદાર પિયુષ પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપી બધા જ પ્રકારની પ્રચાર-પ્રસારની કામગીરી કરી રહ્યા છે. અને જિલ્લાથી લઈને સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં લઈને આવ્યા છે. હવે પરિણામ શું આવશે એ તો આવનારો સમય જ બતાવશે.

