દક્ષિણ ગુજરાત: વલસાડ નવસારી ડાંગ જેવા જિલ્લાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પાર્ટીના ઉમેદવારોના કાર્યાલયો ધડાધડ ખૂલવા લાગ્યા છે. ત્યારે મતદારોને આકર્ષવા અને કાર્યકરોને સાચવવા રસોડાઓ ધમધમવા લાગ્યા છે. ગામડાઓમાં અને ઉમેદવારોના કાર્યાલયો પર જમણવાર અને નાસ્તાની મહેફિલો થઇ રહ્યાનું દેખાય છે.

ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે વલસાડ નવસારી અને ડાંગમાં મતદાન થવાનું છે ત્યારે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર જમણવાર, નાસ્તા અને ખાણીપીણીનો ધીમે-ધીમે માહોલ જામ્યો છે. મતદારોને પોતાના પક્ષમાં મતો અપાવવા માટે નવા નવા આઈડિયા અપનાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીના આગલા દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રહશે. દરેક ઉમેદવારો જે-તે ગામના પોતાના પક્ષના આગેવાનને જમણવારની જવાબદારી સોંપી દીધી છે.

કાર્યાલયો પર અને ગામડે- ગામડે પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. નાસ્તામાં ગાંઠિયા, પૌઆ, પરોઠા અને દહીં, ભેળ, સમોસા, દાબેલી, વડાપાઉ, ભૂંગળા- બટાકા, ગાંઠિયા અને ભજિયાં અને ભાજીપાંઉ જેવી ખાણીપીણીની વસ્તુઓ જેવી વસ્તુઓની જ્યાફત ઊડી રહી છે. જમણવારમાં તાવો ઉપરાંત ભજિયા પાર્ટી, ભાજીપાંઉ જેવી ખાણીપીણીની વસ્તુઓની મોજ માણવામાં આવી રહી છે. કાર્યકરો અને સ્થાનિક લોકોને હવે લગભગ રોજ સાંજનો જમણવાર કે નાસ્તો રાજકીય પક્ષો તરફથી મળી રહેશે એ નક્કી છે.