નાંદોદ: વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો ગતરોજ અંતિમ દિવસ હોવાથી તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે નીકળ્યા હતા. સૌથી વધુ ધમધમાટ નર્મદાની નાંદોદ વિધાનસભામાં દેખાયો હતો. ભાજપ, આપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારની જબરજસ્ત ટક્કર ગતરોજના માહોલ ઉપરથી સ્પષ્ટ થઈ ગઈ હતી. નાંદોદ ચૂંટણીનો માહોલ જામ્યો હોય તે રીતે ત્રણેય પક્ષ અને અપક્ષના ઉમેદવારોએ શક્તિપ્રદર્શનની જેમ રેલીઓ યોજીને મતદારોને આકર્ષવા માટે પ્રયાસો કર્યાં હતાં.

આપને જણાવી દઇએ કે, નર્મદાની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને BTP એ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમા ભાજપ માંથી ટિકિટ ન મળતાં પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ હર્ષદ વસાવા પણ અપક્ષ ઉમેદવારી કરી ઝંપલાવ્યું છે. ત્યારે બધાજ ઉમેદવાર મજબૂત હોવાનો દાવો કરી પોતાની જીત નક્કી છે એવું કહી રહ્યા છે પરંતુ જાણકારોનું માનીએ તો આ સીટ પર ભાજપ માટે ખતરો રહેશે કારણ કે ભાજપ માંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરી છે જેથી ભાજપના મત બે ભાગમાં વહેંચાઈ જશે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ ગતરોજ બધા જ ઉમેદવારોએ શકિત પ્રદર્શન કરીને પોતાની જીતનો દાવો કર્યો હતો.

નાંદોદ વિધાનસભાના ઉમેદવારની વાત કરીએ તો, ભાજપમાંથી ડો દર્શનાબેન દેશમુખ, આમઆદમી પાર્ટી માંથી ડૉ. પ્રફુલભાઈ વસાવા, કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઈ વસાવા અને BTPના ઉમેદવાર મહેશભાઈ વસાવા જ્યારે ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઈ વસાવા અપક્ષ ઉમેદવારી કરી મેદાનમા છે. હવે જોવાનું એ રહ્યું કે જનતા જીતનો કળશ કોના પર ઢોળશે.