ગુજરાત: વિધાનસભાની ચૂંટણી 2022માં ટીકીટની વહેંચણીથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ શરૂ થયો છે જેને લઈને ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. VTV ના અહેવાલ મુજબ 166 બેઠકમાંથી 40થી વધુ બેઠકો પર વિરોધનો અવાજ સંભળાવા લાગ્યો છે.

ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષને શાંત પાડવા અને વિરોધનો અવાજ દબાવવા ગૃહમંત્રી અમિત શાહે આગેવાની લીધી છે. વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. શાહે અસંતુષ્ટ નેતાઓના કારણે થતા નુકસાન અને ડેમેજ કંટ્રોલ કરવાની વ્યૂહરચના પર પણ કામ શરૂ કરી દીધું છે.

અમિત શાહે રાજ્ય ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર કલાકની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ચાર ઝોનના મહાસચિવો હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક પછી એક નારાજગી સાથે તમામ બેઠકો પર ચર્ચા કરી. મીટીંગમાં તેમણે ગુજરાત ભાજપના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘જે લોકો નારાજ છે તે તમામ પાર્ટી અને પરિવારના છે. તેમના પર દબાણ લાવવાને બદલે સમજણ અને પ્રેમથી કામ કરો. જે લોકો સમજાવટથી સંમત ન થાય, તેમને ચૌદમું રત્ન બતાવવાનો દિલ્હીથી આદેશ છે. આ બ્રહ્માસ્ત્રને જરૂર ન પડે ત્યાં સુધી છોડશો નહીં.

રાજ્યના નેતાઓની એક ટીમ અસંતુષ્ટ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરશે. અસંતુષ્ટ નેતાઓને ચૂંટણીમાં અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય જે લોકો વધુ ગુસ્સે છે, આવા લોકોને સંસ્થા કે સરકારી કોર્પોરેશનના હોદ્દા પર એડજસ્ટ કરવા જેવી ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ શકે છે.