રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એક તરફ દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેવડિયા ખાતે આવ્યાં હતાં તો બીજી તરફ નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ડો પ્રફુલ વસાવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં સુધી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રહ્યા ત્યાં સુધી પોલિસ સ્ટેશનમાં અટકાયત કરી રાખવામાં આવ્યાં હતા.
કેવડિયા બચાવો આંદોલનનાં ડૉ પ્રફુલ વસાવાને પ્રણેતા માનવામાં આવે છે અને નર્મદા જિલ્લામાં બંધારણીય અધિકારો, જમીન બચાવો આંદોલન ચલાવી રહ્યા છે. આજે ડૉ. પ્રફુલ વસાવાને કેવડિયા વિસ્તારમાં પ્રચાર કરવા તેમજ મિડિયાને સંબોધન કરવા જતાં રોકવામાં આવ્યાં હતાં, નર્મદા જિલ્લા એસઓજી પોલિસ દ્વારા તેમની અટકાયત કરી ગરુડેશ્વર પોલિસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં છે. ડો વસાવાને વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન ત્રણ કલાક સુધી પોલિસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યાં હતા.
ડૉ પ્રફુલ વસાવાએ તેમની રાષ્ટ્રીય એકતા દિવસે થયેલી ધડપકડ મુદ્દે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપ સરકાર આમ આદમી પાર્ટી થી ડરી છે અને નાંદોદ વિધાનસભા માં ભાજપ ની ડિપોઝિટ જપ્ત બચાવવા ડૉ.પ્રફુલ વસાવાને પોલિસ નાં સહારે દબાવી રહી છે. ભાજપ સરકારને ગરીબોની જમીનો લુંટવી છે પરંતુ ડૉ પ્રફુલ વસાવા ગરીબો નો સહારો બની રહ્યા છે જેથી ભાજપ સરકાર તેમની ઉપર ખોટાં કેસો કરી ફસાવી રહી છે, નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા આમ આદમી પાર્ટી જીતી રહી છે જેથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે.

